પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. ખેતર–ઘર–ધન–ધાન્ય સ્ત્રી આદિ સંપત્તિ મમત્વ
વધારનારી છે, તથા તેમાં ત્રસ–સ્થાવર અનેક જીવોની હિંસા થાય છે, માટે સંતોષને
સિદ્ધ કરવા અને અહિંસાનું પાલન કરવા તું પરિગ્રહની મમતા ઘટાડીને તેની મર્યાદાનો
નિયમ કર. લોભમાં આકુળતા છે, ને સંતોષમાં સુખ છે. સંતોષવાન જીવ જે પદાર્થને
ચાહે છે તે ત્રણલોકમાં ગમે ત્યાં હોય તોપણ તેને પ્રાપ્ત થાય છે. જેમ માંગનારને કદી
અધિકધન મળતું નથી, (–ભિખારીને તો શું મળે!) તેમ લોભ વડે અધિક દ્રવ્યની ઈચ્છા
કરનારને તેની પ્રાપ્તિ થતી નથી. નિસ્પૃહ જીવોને તો વગર માંગ્યે ધનના ઢગલા થઈ
જાય છે, તેમ સંતોષ ધારણ કરનારને ધન વગેરે પુણ્યયોગે સ્વયમેવ આવી જાય છે.
પુણ્યના ઉદય–અનુસાર લક્ષ્મી આવે–જાય છે; માટે હે જીવ! તું લોભ–તૃષ્ણા છોડને
સંતોષરૂપ અમૃતને ધારણ કર. તથા શક્તિઅનુસાર શુભકાર્ય કર. લક્ષ્મી પુણ્યથી આવે
છે, વગર પુણ્યે ઈચ્છા કરવાથી તે આવી જતી નથી. ચૈતન્યની નિજસંપદા જાણીને
બહારની સંપદાનો મોહ જેણે છોડ્યો છે એવા ધર્માત્માને જ આ લોકમાં તીર્થંકર ચક્રવર્તી
કે ઈન્દ્રપદની વિભૂતિ મળે છે. જે બુદ્ધિમાન શ્રાવક પરિગ્રહનું થોડું પરિમાણ કરે છે તેની
પરીક્ષા કરવા માટે ઘણી લક્ષ્મી સામેથી તેના ઘરે આવે છે. કદાચિત્ સૂર્યમાંથી ઠંડક મળે
તોપણ મમતારૂપ પરિગ્રહમાંથી જીવને કદી શાંતિ મળતી નથી. જેમ પશુઓ નગ્ન રહેવા
છતાં મમત્વરૂપ પરિગ્રહના ત્યાગ વગર તેઓ શાંતિ કે પુણ્ય પામતા નથી, તેમ જેને
પરિગ્રહની મર્યાદાનો કોઈ નિયમ નથી એવો ધર્મરહિત જીવ શાંતિ કે પુણ્ય પામતો નથી;
પરિગ્રહની તીવ્ર મૂર્છાથી તે પાપ બાંધીને દુર્ગતિમાં રખડે છે. ધર્મના બગીચાને ખાઈ
જનાર વિષાયસક્ત મનરૂપી હાથી, નિયમ રૂપ અંકુશ વડે વશમાં રહે છે. માટે હે જીવ!
તું સંતોષવડે પરિગ્રહ–પરિમાણનો નિયમ કર.