એટલે આસ્રવોથી પોતાને ભિન્ન અનુભવતો થકો તે આત્મા પોતે
પોતામાં મગ્ન થાય છે...ધર્માત્માની આવી દશા સમજાવીને
આચાર્યદેવે અનુભૂતિનો માર્ગ ખુલ્લો કર્યો છે.
સમયસારની ૩૮ મી ગાથામાં ધર્માત્માના સ્વરૂપસંચેતનનું વર્ણન કર્યું છે. આ
અનુભવથી જીવ આસ્રવોને છોડે છે તે બતાવ્યું છે. ચૈતન્યસ્વરૂપ આત્માનો નિર્ણય
કરીને તેના અનુભવવડે ક્રોધાદિ આસ્રવોનો અભાવ થાય છે. ધર્મી પોતાના
ચૈતન્યસ્વરૂપ આત્માને કેવો અનુભવે છે? પ્રથમ તો ‘હું એક છું’ એમ એકપણે પોતાને
સદા અનુભવે છે. અનાદિ–અનંત સદાય પ્રત્યક્ષ–અખંડ–અનંત ચિન્માત્રજ્યોતિરૂપ
વિજ્ઞાનઘનસ્વભાવપણે હું એક છું. આવા એકત્વસ્વભાવની અનુભૂતિવડે હું શુદ્ધ છું.
એકત્વની અનુભૂતિમાં કર્તા–કર્મ વગેરે કારકોના ભેદની પ્રક્રિયા નથી, હું કર્તા, આ મારું
કર્મ, આ સાધન–એવા કારકોના ભેદ–વિકલ્પો શુદ્ધ અનુભૂતિસ્વરૂપ આત્મામાં નથી.
આવા શુદ્ધ આત્માની અનુભૂતિવડે જ આત્મા આસ્રવોને છોડીને પોતે પોતામાં ઠરે છે.
આસ્રવોને છોડવાનો ને પોતામાં ઠરવાનો એક જ કાળ છે.