: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૩૫ :
સ્વામીત્વ માને છે તે જીવને અનંતા પરભાવોનું મમત્વ છે; ભલે બહારથી ત્યાગી હોય,
પણ અજ્ઞાનચેતનામાં તેને અનંતા પરભાવોનું સ્વામીત્વ પડ્યું છે, પરભાવના
સ્વામીપણે જ તે પોતાને અનુભવે છે. ધર્મી પોતાને ચેતનાસ્વરૂપે અનુભવે છે, તે
અનુભવમાં રાગનો એક કણિયો પણ નથી, માટે ધર્મીને પરભાવનું સ્વામીત્વ નથી, તે
અત્યંત મમતારહિત છે.
હજી આવા આત્માનો નિર્ણય પણ જે ન કરે તે તેનો અનુભવ ક્્યાંથી કરે?
આસ્રવોથી ભિન્ન આત્મસ્વરૂપનો નિશ્ચય પણ જે ન કરે તે આસ્રવોનું કર્તૃત્વ કેમ છોડે?
ને જેને રાગાદિ આસ્રવોનું કર્તૃત્વ હોય તેને તેનું સ્વામીત્વ હોય, એટલે તેને નિર્મમત્વ
દશા તો ક્યાંથી હોય? ધર્મી કહે છે કે મારી ચેતનાનો સ્વભાવ જ ત્રણેકાળ એવો છે કે
તેમાં રાગનો કણિયો પણ નથી; રાગના એક કણિયાનું પણ સ્વામીત્વ મારી ચેતનામાં
ત્રણકાળમાં નથી. આવી અનુભૂતિ તે ધર્માત્માની અનુભૂતિ છે; આવી અનુભૂતિવડે
ધર્માત્મા સાચા સ્વરૂપે ઓળખાય છે.
જીવનો સ્વભાવ જ્ઞાન–શાંતિ ને આનંદ છે, દુઃખ તેનો સ્વભાવ નથી. સ્વભાવને
ભૂલીને, રાગમાં તન્મયતાથી દુઃખરૂપે પરિણમે છે તે આસ્રવ છે. આત્માએ અજ્ઞાનથી
આ આસ્રવોને પકડ્યા છે, તેથી તે દુઃખી છે; રાગથી ભિન્ન જ્ઞાનસ્વભાવને જાણીને તેમાં
પરિણમતાં તે જીવ આસ્રવોને છોડી દે છે, ને પોતાના નિર્વિકલ્પસ્વભાવની પરમશાંતિને
વેદે છે. ચૈતન્યસમુદ્ર પોતે પોતામાં ઠરતાં પરમ શાંતરસને વેદે છે.
આવી દશારૂપે જે જીવ પરિણમ્યો તે ધર્મી છે. તેની ધર્મદશા અને તેનું દ્રવ્ય બંને
સત્ છે. એટલે આ પર્યાયનો કર્તા થઈને હું તેને કરું–એવા ભેદના વિકલ્પ પણ તેમાં
નથી. અંતરનો અનુભવ વિકલ્પની ક્રિયાથી પાર છે. જ્ઞાનસ્વભાવ હું છું એમ નક્કી
કરનારી પર્યાય પણ વિકલ્પથી છૂટી પડીને શુદ્ધસ્વભાવ સાથે એકતાપણે પરિણમી છે,
એટલે શુદ્ધ થઈ છે. પર્યાય પોતે શુદ્ધ થઈને શુદ્ધસ્વભાવનો સ્વીકાર કરે છે.
શુદ્ધસ્વભાવનો સ્વીકાર કરે ને પર્યાયમાં એકલી અશુદ્ધતા રહે–એમ બને નહિ. પર્યાયમાં
જેને શુદ્ધતા નથી તેણે શુદ્ધસ્વભાવનો સ્વીકાર જ કર્યો નથી. શુદ્ધતા વગર
શુદ્ધસ્વભાવનો સ્વીકાર કર્યો કોણે? રાગના વિકલ્પમાં કાંઈ એવી તાકાત નથી કે
શુદ્ધસ્વભાવને સ્વીકારી શકે.
આત્મા તો જ્ઞાનસ્વભાવ છે, તે ઈષ્ટ છે–આનંદરૂપ છે; અને રાગ–દ્વેષ–મોહ તો
જ્ઞાનથી વિરુદ્ધ એવા અનીષ્ટ છે, તે તો અરિ છે; તે અરિને જ્ઞાનવડે હણવાથી આત્મા
અરિહંત થાય છે; રાગ કે જે અરિ છે તેને અજ્ઞાની ધર્મનું સાધન માને છે, તો તે અરિને
ક્્યાંથી હણી શકે?