Atmadharma magazine - Ank 371
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page  


PDF/HTML Page 45 of 45

background image
ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 128
રત્નત્રય – ઉપાસના
સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાન સમ્યક્ચારિત્ર...જૈનધર્મના સર્વોત્તમ ત્રણ રત્નો....
આત્માનો મહા આનંદ આપનારાં ત્રણ રત્નો....એનો મહિમા લોકોત્તર છે. આ રત્નત્રય
એ સર્વે મુમુક્ષુઓનો મનોરથ છે; તે રત્નત્રય લેવા માટે ચક્રવર્તીઓ છ ખંડના
સામ્રાજ્યને તથા ૧૪ રત્નોને પણ અત્યંત સહેલાઈથી છોડી દે છે; ઈન્દ્રો પણ એને માટે
તલસી રહ્યા છે. જીવને આ રત્નત્રયની પ્રાપ્તિ તે જૈનશાસનનો સાર છે. તે જ જૈનધર્મ છે.
વાહ, આવા સમ્યક્રત્નત્રયના એકાદ રત્નની પ્રાપ્તિથી પણ જીવનો બેડો પાર છે.
અહા, જે મૂલ્ય વડે જીવને અનંતકાળનું મોક્ષસુખ મળે તે રત્નત્રયની શી વાત!
સમસ્ત જિનવાણીનો સાર એક શબ્દમાં કહેવો હોય તો તે છે– ‘રત્નત્રય’ તેના જ
વિસ્તારથી, અને તેની જ પ્રાપ્તિના ઉપાયના વર્ણનથી જિનાગમ ભર્યા છે. આ રત્નત્રય
એટલે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેય રાગ વગરનાં છે;
સિદ્ધાંતસૂત્રોમાં તો તેમને ‘જ્ઞાનનું પરિણમન’ કહીને રાગ વગરનાં બતાવ્યાં જ છે, ને
રત્નત્રય–પૂજનના પુસ્તકમાં પણ પહેલી જ લીટીમાં તેમને ત્રણેયને રાગ વગરનાં
બતાવીને પછી જ તેના પૂજનની શરૂઆત કરી છે :–
‘सरघो जानो पालो भाई, तीनोमें कर राग जुदाई।’
‘सरधो जानो भावा भाई, तीनोमें ही रागा नाई।’
(જુઓ, પં. ટેકચંદજીકૃત રત્નત્રયવિધાન પૂજા)
વાહ, વીતરાગ રત્નત્રય! જીવની શોભા માટે તમારા સમાન સુંદર આભૂષણ
બીજું કોઈ નથી. આવા રત્નત્રય વડે આત્માને આભૂષિત કરવા માટે સમયસારમાં
કુંદકુંદસ્વામી કહે છે કે હે ભવ્ય! દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષપંથમાં આત્માને જોડ.
જિનભગવંતો દર્શન–જ્ઞાન–ચારિત્રને મોક્ષમાર્ગ કહે છે. દર્શન–જ્ઞાન–ચારિત્ર જ મોક્ષમાર્ગ
છે, કેમકે તેઓ આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. જે જીવ પોતાના ચારિત્રદર્શનજ્ઞાનમાં
સ્થિત છે તે સ્વસમય છે–એમ હે ભવ્ય! તું જાણ...ને એ જાણીને તું પણ સ્વસમય થા. આ
જગતની બધી દુર્લભ વસ્તુઓમાં રત્નત્રય સૌથી દુર્લભ છે. રત્નત્રયધર્મની આરાધના
નહિ કરવાથી જીવ દીર્ઘ સંસારમાં રખડયો. રત્નત્રયધર્મની આરાધના કરનાર જીવ
આરાધક છે, અને તેની આરાધનાનું ફળ કેવળજ્ઞાન છે.
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૬૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (364250) : દ્વિ.–ભાદ્ર (૩૭૧)