ભક્તિના પ્રવાહમાં પૂર આવે–એ સહજ છે.
આ આખુંય વર્ષ, અને ત્યારપછી પણ સદાયકાળ, આપણું જીવન અને જીવનનું
દરેક કાર્ય એવું ઉત્તમ હોવું જોઈએ કે આપણને જ એવા ગૌરવ સાથે સંતોષ થાય કે
‘હું મારા ભગવાને કહેલા માર્ગમાં શોભી રહ્યો છું; ભગવાને બતાવેલા માર્ગ તરફ હું
આનંદથી જઈ રહ્યો છું. ભગવાનના ભક્ત તરીકે શોભે એવું મારું જીવન છે.’ બંધુઓ,
આવા ઉત્તમ સદાચારયુક્ત–જ્ઞાનયુક્ત સુંદર જીવન જીવવાની જવાબદારી લેશો તો જ
મહાવીર ભગવાનનો સાચો ઉપકાર, અને તેમના મોક્ષનો સાચો ઉત્સવ તમે ઊજવી
શકશો.–એકલા પૈસાની ધામધૂમથી સાચો ઉત્સવ નહિ ઉજવાય.
આપણા ભગવાન મહાવીર કેવા છે? (–‘હતા’ એમ નહિ પરંતુ અત્યારેય
વિદ્યમાન ‘છે’,–તે કેવા છે?) પહેલાં તેઓ સંસારમાં કેવા હતા, પછી તેમણે મોક્ષમાર્ગ
કઈ રીતે સાધ્યો ને અત્યારે મોક્ષમાં કેવા શોભી રહ્યા છે? તે ઓળખવું જોઈએ. (તેનું
સંક્ષિપ્ત વર્ણન આ અંકમાં આપ વાંચશો.) તે ઓળખીને, તેમાંથી આપણા જીવનમાં
આપણે શું કરવા યોગ્ય છે! તેનો વિચાર કરવો. અત્યારે સંસારમાં હળહળતા પાપો
હિંસા–જુઠું–ચોરી–સિનેમા–અને પૈસાના પરિગ્રહ પાછળનું પાગલપણું–એ બધા નરકના
એજન્ટો સામે એકવર્ષ તો બીલકુલ ન જોશો....એકવર્ષમાં તેમનો સંગ છોડીને
વીરપ્રભુ સાથે એવી મિત્રતા બાંધી લેજો કે જીવનમાં ફરી કદી તે કોઈ પાપો તમારી
નજીક પણ ન આવી શકે. અરેરે, પાપમાં ઊભા રહીને તમે મુક્તિના ઉત્સવમાં કેવી
રીતે ભાગ લઈ શકશો?–વીર પુત્રો! ધ્યાન રાખજો, ભગવાનના આવા મજાના
ઉત્સવનો પ્રસંગ જીવનમાં બીજી વાર આવવાનો નથી.–અવસર ચુકશો મા.