Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 53

background image
: ૩૦ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
વગેરે સુપાત્ર જીવોને આદરથી આહારદાન, શાસ્ત્રદાન વગેરે કરે છે. ભરત ચક્રવર્તી
જેવા ધર્માત્મા આહાર ટાણે રસ્તા પર જઈને મુનિરાજની વાટ જોતા ઊભા રહેતા ને
ભાવના ભાવતા કે કોઈ મુનિ–ધર્માત્મા પધારે તો તેમને ભોજન કરાવીને પછી હું જમું.
–ને મુનિ પધારે ત્યાં તો અત્યંત ભક્તિથી હૃદય ઊછળી જાય ને આહારદાન કરે.
–આવો ભાવ ધર્મીને હોય છે. મુનિનો સુયોગ ન મળે તો ધર્મની રુચિવાળા સાધર્મીઓ
પ્રત્યે પણ આદરભાવથી દાનાદિ કરે છે. અહા, આવો સર્વોત્કૃષ્ટ જૈનધર્મ! ને આવા
સર્વોત્કૃષ્ટ દેવ–ગુરુ–શાસ્ત્ર, તેમના માટે હું શું કરું!–કઈ રીતે તેમનો મહિમા કરું! કઈ
રીતે જગતમાં તેમનો પ્રભાવ પ્રસિદ્ધ કરું?–એમ ધર્મીને ઉત્સાહ હોય છે. અંદર તો
સમ્યક્ત્વાદિ ગુણવડે પોતાના આત્માને વિભૂષિત કર્યો છે; ને બહારમાં પણ વિવેકપૂર્વક
જિનપૂજાનો ઉત્સવ, ગુરુસેવા–મુનિભક્તિ, દાન, સ્વાધ્યાય, શાસ્ત્રપ્રચાર વગેરેથી જૈન–
શાસનની શોભા વધારે છે. મૂળધર્મ તો સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ છે, ને તેની સાથે શ્રાવકને
આવો વ્યવહારધર્મ હોય છે. ધર્મપ્રવૃત્તિમાં પણ ત્રસહિંસા ન થાય તેનો તેને વિવેક હોય
છે. અને દાન દેવામાં પણ પાત્ર–અપાત્રનો વિવેક હોય છે. અન્ય લૌકિક કાર્યોમાં લાખો–
કરોડો રૂપિયા વાપરી નાંખે, ને જૈનધર્મનું જરૂરી કાર્ય હોય તેમાં પાંચ–દશ હજાર
વાપરતાંય લોભ કરે,–તો એને દાનનો કે ધર્મનો વિવેક કહેવાય નહિ. ધર્માત્માને તો
ચારેકોરનો વિવેક હોય છે. દાન દેવામાં પણ જૈનમાર્ગની ને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રની વૃદ્ધિ કેમ થાય,–તેમ વિચારે છે; ધર્માત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
વિશેષતાને ઓળખીને તે ગુણોનું બહુમાન કરે છે.–આમાં ગુણની ઓળખાણ તે મુખ્ય
છે. ધર્માત્માના ગુણને ઓળખ્યા વગર પાત્રદાનનો ખરો લાભ થાય નહિ. મિથ્યાદ્રષ્ટિને
ગુણની ખરી ઓળખાણ નથી એટલે વિવેક નથી, તે તો એકલા રાગને ઓળખે છે ને
રાગમાં જ વર્તે છે; રાગથી પાર ધર્મીના રત્નત્રયગુણોને તે ઓળખતો નથી. એની
ઓળખાણ કરે તો તો ભેદજ્ઞાન થઈ જાય; ભેદજ્ઞાન વગર ગુણ–દોષની સાચી ઓળખાણ
થાય નહિ. જીવે શુદ્ધાત્માની ઓળખાણ વગર એકલા શુભરાગથી દાન–પૂજા અનંતવાર
કર્યા, તેનાથી ભવભ્રમણનો અંત ન આવ્યો. એકવાર પણ જો રાગથી પાર
ચૈતન્યગુણોની ઓળખાણ કરે તો ભવભ્રમણનો અંત આવી જાય.
જેણે જ્ઞાન અને કષાયને અત્યંત જુદા અનુભવ્યા છે એવા ધર્મીના અંતરમાં
ઘણો સમતાભાવ હોય છે; વીતરાગી સમતાભાવ તે પણ ધર્મીની એક ક્રિયા છે; તે ક્રિયા
રાગથી જુદી છે. આ રીતે સમ્યગ્દર્શન સાથે શ્રાવકને વીતરાગભાવરૂપ ક્રિયા તેમજ
દાનાદિ શુભરાગરૂપ ક્રિયાઓ ભૂમિકા પ્રમાણે હોય છે.