: ૨ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
પાવાપુરીનું પવિત્રધામ હજારો દીપકોના ઝગમગાટથી આજે અનેરું શોભી રહ્યું
છે. વીરપ્રભુના ચરણસમીપે બેસીને ભારતના હજારો ભક્તજનો વીરપ્રભુના
મોક્ષગમનનું સ્મરણ કરી રહ્યા છે ને તે પવિત્રપદની ભાવના ભાવી રહ્યા છે. અહા,
ભગવાન મહાવીર આજે સંસારબંધનથી છૂટીને અભૂતપૂર્વ સિદ્ધપદને પામ્યા. અત્યારે
તેઓ સિદ્ધાલયમાં બિરાજી રહ્યા છે. પાવાપુરીના જલમંદિરની ઉપર–ઠેઠ ઉપર લોકાગ્રે
પ્રભુ સિદ્ધપદમાં બિરાજી રહ્યા છે.
કેવું છે એ સિદ્ધપદ? સંતોના હૃદયમાં કોતરાઈ ગયેલા એ સિદ્ધપદનું વર્ણન
કરતાં શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે :–
અશરીર ને અવિનાશ છે, નિર્મળ અતીન્દ્રિય શુદ્ધ છે;
જ્યમ લોક–અગે્ર સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને.
જેવા જીવો છે સિદ્ધિગત, તેવા જીવો સંસારી છે;
જેથી જનમ–મરણાદિ હીન, ને અષ્ટગુણસંયુક્ત છે.
અહા, સિદ્ધપદ જ્ઞાનીઓને પરમ વહાલું છે; પોતાના આત્માના સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રવડે એ સિદ્ધપદ પમાય છે. તે મહાન આનંદરૂપ છે.
મહાવીર પ્રભુ આજના દિવસે આવું મહિમાવંત સિદ્ધપદ પામ્યા. એ મહાવીર
કેવા હતા...ને કેવી રીતે આવું મજાનું સિદ્ધપદ પામ્યા?–કે જેના આનંદનો ઉત્સવ હજારો
દીવડાવડે આખુંય ભારત આજે પણ ઊજવે છે!
આપણા સૌની જેમ એ મહાવીર ભગવાન પણ એક આત્મા છે. આપણી જેમ
પહેલાં એ આત્મા પણ સંસારમાં હતો. અરે, એ હોનહાર તીર્થંકરના આત્માએ પણ
જ્યાંસુધી આત્મજ્ઞાન નહોતું કર્યું ત્યાં સુધી તે સંસારના અનેક ભવોમાં ભમ્યો.
* મહાવીર ભગવાનના પૂર્વ ભવોનું કથન *
આત્માના જ્ઞાન વગર ભવચક્રમાં ભમતાં–ભમતાં ભગવાનનો જીવ એકવાર
વિદેહક્ષેત્રમાં પુંડરીકિણી નગરીના મધુવનમાં પુરુરવા નામે ભીલરાજા થયો; ત્યારે
સાગરસેન નામના મુનિરાજને દેખીને પ્રથમ તો મારવા તૈયાર થયો, પણ પછી તેમની
શાન્ત મુદ્રા અને વીતરાગી વચનોથી પ્રભાવિત થઈને માંસાદિના ત્યાગનું વ્રત ગ્રહણ કર્યું.
વ્રતના પ્રભાવે તે ભીલ પહેલા સ્વર્ગનો દેવ થયો ને પછી ત્યાંથી
અયોધ્યાનગરીમાં ભરતચક્રવર્તીનો પુત્ર મરીચી થયો; ચોવીસમા–અંતિમ તીર્થંકરનો તે જીવ