: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૨૯ :
હાથીની આવી વાત સાંભળીને રામ–લક્ષ્મણ વગેરે બધાને આનંદ થયો. હે ભવ્ય
પાઠક! તને પણ આનંદ થયોને?–હા! તો તું પણ હાથીની જેમ તારા આત્માને
જિનધર્મની આરાધનામાં જોડજે, ને માન–માયાના ભાવને છોડજે.
હાથીના અને ભરતના પૂર્વભવની વાત સાંભળીને રામ–લક્ષ્મણ વગેરે સૌ
આશ્ચર્ય પામ્યા. ભરતની સાથે એક હજાર રાજાઓ દીક્ષા લઈને મુનિ થયા. ભરતની
માતા કૈકેયી પણ જિનધર્મની પરમ ભક્ત, વૈરાગ્ય પામીને અર્જિકા થઈ; તેની સાથે
બીજી ૩૦૦ સ્ત્રીઓએ પૃથ્વીમતિમાતા પાસે દીક્ષા લીધી.
ત્રિલોકમંડન હાથીના હૈયામાં તો કેવળીભગવાનના દર્શનથી આનંદ સમાતો
નથી; પૂર્વભવ સાંભળીને તે એકદમ ઉપશાંત થયો છે. સમ્યગ્દર્શન સહિત, તે હાથી,
વૈરાગ્યથી રહે છે ને શ્રાવકનાં વ્રત પાળે છે. પંદર–પંદર દિવસના કે મહિના–મહિનાના
ઉપવાસ કરે છે, અયોધ્યાના નગરજનો ઘણા વાત્સલ્યપૂર્વક શુદ્ધ આહાર–પાણી વડે તેને
પારણું કરાવે છે. આવા ધર્માત્મા હાથીને દેખીને બધાને તેના ઉપર ઘણો પ્રેમ આવે છે.
તપ કરવાથી ધીમે ધીમે તેનું શરીર દૂબળું પડવા લાગ્યું, ને અંતે સમાધિપૂર્વક ધર્મધ્યાન
કરતાં–કરતાં દેહ છોડીને તે સ્વર્ગમાં ગયો...ને થોડા વખતમાં મોક્ષ પામશે.
એક હાથીની વાર્તા પૂરી!
બાળકો! હાથીની વાર્તા તમને ગમી!
વાહ ભાઈ વાહ! બહુ જ ગમી! હજી બીજા હાથીની વાર્તા પણ કહોને!
ભલે ભાઈ! તમને કાંઈ ના કહેવાશે? બીજા હાથીની વાર્તા પણ કહેશું. તમે
પ્રેમથી વાંચજો. તમે પણ હાથી જેવા થાજો!–હાથી જેવા તોફાની નહીં હો, પણ હાથી
જેવા ધર્માત્મા થાજો.....આત્માને ઓળખજો ને મોક્ષને સાધજો.
અનંત ચૈતન્યવૈભવવાળા આત્માને જેણે જાણ્યો તેણે ચૌદ
બ્રહ્માંડના સારને જાણી લીધો અહા, આત્માને જાણવામાં અંતર્મુખ
ઉપયોગનો અનંત પુરુષાર્થ છે; તેમાં તો મોક્ષમાર્ગ આવી જાય છે.
સ્વમાં જે સન્મુખ થયો તેણે પરથી સાચી ભિન્નતા જાણી, એટલે ખરું
ભેદજ્ઞાન થયું. આવી દશા હોય તે જીવ ધર્મી છે,–ભલે તે
ગૃહસ્થપણામાં હોય....કે ગમે ત્યાં હોય!