Atmadharma magazine - Ank 374
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 41

background image
: ૩૦ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
[નિર્વાણમહોત્સવ સમાચાર પાનું ૪ થી ચાલુ]
રાજસ્થાન સરકારે આ નિર્વાણમહોત્સવના વર્ષમાં કોઈને ફાંસી ન દેવાની
જાહેરાત કરી છે. (અનેક શહેરોમાં ફિલ્મોનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે
આપણા જૈનસ્થાનોમાં આપણી ધાર્મિકફિલ્મોનું આયોજન કરીએ તે ઉચિત છે, પરંતુ
સામાજિક થિએટરોમાં–જ્યાં બીભત્સ પ્રેમચિત્રોનું પ્રદર્શન થતું હોય છે તેની વચ્ચે
આપણા ધર્મનું પ્રદર્શન કરવું ઉચિત નથી,–કેમકે તેવા સ્થાનો તો આપણે માટે
અનાયતન છે. જેમ હોટેલમાં જવું ઉચિત નથી તેમ એવા થિયેટરોમાં જવું પણ ઉચિત
નથી. એક તરફથી આપણે આપણા યુવાનોને એવી ફિલ્મો ન જોવા માટે ભલામણ
કરીએ, અને પાછા તે જ થિએટરોમાં આપણી ફિલ્મોનો કાર્યક્રમ ગોઠવીએ,–તે યોગ્ય નથી.)
મદ્રાસમાં તેમજ મોરબીમાં સમસ્ત જૈનોએ હળીમળીને આનંદપૂર્વક મહાવીર
ભગવાનની ભવ્ય રથયાત્રા કાઢી હતી;–ધર્મધ્વજ–બેન્ડવાજાં વગેરેથી સુસજ્જિત રથ–
યાત્રામાં સમસ્ત જૈનોનો ઉત્સાહ દેખીને જનતા પ્રભાવિત થઈ હતી. આખી નગરી
મહાવીરના જયકારથી ગુંજી ઊઠી હતી. મદ્રાસમાં તો ૬૩ ટ્રકમાં ધાર્મિકરચનાઓ
(મોડેલો) ઘણી જ આકર્ષક હતી. બાળકોનો ઉત્સાહ પણ અનેરો હતો; શિરપુર
(મધ્યપ્રદેશ) ના બાવલવાશ ગામમાં પટવારી શેરમહમદજીના સભાપતિસ્થાને વીર–
નિર્વાણોત્સવની સભા થઈ હતી, તેમાં સભાપતિજીએ આજીવન માંસાહારનો ત્યાગ,
તથા જીવહિંસાનો ત્યાગ કર્યો હતો. અનેક માણસોએ રાત્રિભોજન ત્યાગ કર્યો હતો.
જામનગરમાં નિર્વાણોત્સવ પ્રસંગે બાળકોએ સુંદર કાર્યક્રમ રજુ કર્યો હતો. પ્રભાતફેરી
બાળકોનું કૂચગીત–(–વીરપ્રભુનાં સૌ સંતાન....છે તૈયાર છે તૈયાર!) તથા નિર્વાણ–
પૂજન, મંદિરમાં રોશની, ધ્વજાની સજાવટ, ધાર્મિક નાટકો, નૃત્ય–ભજન, ધાર્મિક પરીક્ષા
તથા ઈનામોની વહેંચણી થઈ હતી. સોનગઢના ઉત્સવના સમાચારો ગતાંકમાં આપી
ગયા છીએ. તે ઉપરાંત ઉત્સવ નિમિત્તે ત્રણ દિવસ સુધી પંચપરમેષ્ઠીનું સામૂહિક પૂજન
થયું હતું. ખૈરાગઢમાં ૬૪ ઋદ્ધિ વિધાનપૂજન થયું હતું. વાંકાનેરમાં પંચપરમેષ્ઠીવિધાન
થયું હતું. કારતક વદ દશમે ભગવાન મહાવીરના દીક્ષાકલ્યાણકની ઉજવણી થઈ હતી.
સવારમાં પ્રભાતફેરી, પૂજનાદિ કાર્યક્રમો હતા. આ ઉપરાંત મુંબઈ–દાદર–મલાડ–
ઘાટકોપર રખિયાલ, જાંબુડી, રાજકોટ, જેતપુર હૈદરાબાદ તેમજ રાજસ્થાન–મધ્યપ્રદેશના
કેટલાય ગામોથી પણ ઉત્સાહવર્દ્ધક સમાચાર આવ્યા છે. કેટલુંક લખીએ...થોડું લખ્યું
ઝાઝું કરીને વાંચજો. (–બ્ર. હ. જૈન) –जय महावीर
जैनेन्द्रं धर्मचक्रं प्रभवतु सतं सर्व सौख्यप्रदायो