Atmadharma magazine - Ank 375
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 49

background image
: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૩ :
સર્વજ્ઞસ્વભાવી આત્મા
દિવ્ય જ્ઞાનસ્વભાવી આત્મા તે જૈનશાસનનું મહાન રત્ન છે.
તેને જેણે જાણી લીધું તેણે સમસ્ત જૈનશાસનને જાણી લીધું
(પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનસાર ગાથા ૪૯ પરનાં પ્રવચનોમાંથી)
ઉપયોગસ્વરૂપી આત્મા, સર્વને જાણનાર એવા સર્વજ્ઞસ્વભાવી છે; આવા
પોતાના સર્વજ્ઞસ્વભાવને જે ન જાણે, ન અનુભવે તે સર્વ પદાર્થોને પણ જાણી શકતો
નથી. આત્મા સર્વજ્ઞસ્વભાવી છે–એમ જે સ્વસંવેદનથી જાણે છે તે જીવ બધાય જીવોને
જ્ઞાનસ્વરૂપી જાણે છે. જ્ઞાનઅપેક્ષાએ બધાય જીવો સાધર્મી–સમાનધર્મી છે.
‘સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાય.’
જે જ્ઞાન સામાન્ય છે તે પોતાના અનંતજ્ઞાન વિશેષોમાં વ્યાપનારું છે; જ્ઞાન
સામાન્ય પોતે અનંત વિશેષોરૂપે પરિણમે છે. કેવળજ્ઞાન અનંતવિશેષોરૂપ મહાન જ્ઞાન
છે, તેમાં જ્ઞાનસ્વભાવ વ્યાપે છે. જો કે મતિ–શ્રુતજ્ઞાનમાં પણ અનંત વિશેષો છે, પણ
કેવળજ્ઞાન સર્વોત્કૃષ્ટ છે; સમસ્ત પદાર્થોનો પ્રતિભાસ જેમાં એકસાથે ભર્યો છે એવું
અદ્ભુત અનંત વિશેષોસ્વરૂપ કેવળજ્ઞાન, તેમાં સર્વજ્ઞસ્વભાવી મહાસામાન્ય જ્ઞાન
વ્યાપેલું છે; ને તે આત્માનો સ્વભાવ જ છે.–આવા આત્માને જે સ્વાનુભવ–પ્રત્યક્ષ નથી
કરતો તેને સર્વજ્ઞપણું હોતું નથી.
જુઓ, ૮૦ મી ગાથામાં કહ્યા પ્રમાણે અરિહંતદેવના ચૈતન્યરૂપ દ્રવ્ય–ગુણ–
પર્યાયને જાણે તેમાં આવા સર્વજ્ઞસ્વભાવી આત્માનું જ્ઞાન ભેગું આવી જ જાય છે. અરે,
સર્વજ્ઞતાની તાકાતની શી વાત! રાગ જેને ઝીલી શકે નહિ, ને રાગનો કણ જેમાં સમાય
નહિ–એવા સર્વજ્ઞસ્વભાવને તો સ્વસન્મુખ અતીન્દ્રિયજ્ઞાન જ ઝીલી શકે છે. અરે, સર્વજ્ઞ
અરિહંતને પોતાના જ્ઞાનમાં સમાડવા–એ તે કાંઈ સાધારણ વાત છે!
ભાઈ, તારી જ્ઞાનપર્યાયમાં તારા જ્ઞાનસ્વભાવને જ વ્યાપેલો દેખ.
તારી જ્ઞાનપર્યાયમાં પરવસ્તુને કે રાગને વ્યાપેલો ન દેખ.
અહા, આવો જ્ઞાનસ્વભાવ નક્કી કરે ત્યાં તો પરથી ને રાગથી જ્ઞાન છૂટું પડી
જાય, ભેદજ્ઞાન થઈને મોક્ષમાર્ગ ઊઘડી જાય.