: ૧૦ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
વિશ્વાસ કરે છે તેને બહિરાત્મપણું છૂટીને તે અંતરાત્મા થાય છે, ને તે પોતાની ચૈતન્ય
શક્તિમાં લીન થઈને તેમાંથી પરમાત્મદશા પ્રગટ કરે છે.
આ રીતે પહેલાંં જેઓ બહિરાત્મા હતા તેઓ જ પોતાની શક્તિના અવલંબને
અંતરાત્મા થયા. આવી પરમાત્મા થવાની તાકાત દરેક આત્મામાં છે.
મારા આત્મામાં પરમાત્મા થવાની તાકાત છે ને તેમાંથી પરમાત્મદશા પ્રગટ
કરવી તે ઉપાદેય છે. આવી શક્તિની પ્રતીત કરતાં બહિરાત્મપણું છૂટીને અંતરાત્મપણું
થાય છે ને તે પરમાત્મા થવાનો ઉપાય છે. આ રીતે બહિરાત્મપણું છોડવા જેવું છે,
પરમાત્મપણું પ્રગટ કરવા જેવું છે ને અંતરાત્મપણું તેનો ઉપાય છે.
જુઓ, પરમાત્મા થવાનો એટલે કે મોક્ષસુખની પ્રાપ્તિનો ઉપાય પોતામાં જ
બતાવ્યો; શુદ્ધસ્વભાવના અનુભવરૂપ જે અંતરાત્મદશા છે તે જ મોક્ષસુખનો ઉપાય છે.
એ સિવાય બહારના કોઈ ભાવો તે મોક્ષસુખનો ઉપાય નથી.
હું શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છું, જ્ઞાનદર્શનસ્વરૂપ એક શાશ્વત આત્મા જ મારો છે, એ
સિવાય સંયોગલક્ષણરૂપ કોઈ ભાવો મારા નથી, તેઓ મારાથી બાહ્ય છે–એમ ભેદજ્ઞાન
કરીને, આત્માના અંર્તસ્વભાવમાં આત્મબુદ્ધિ કરવી તે અંતરાત્મપણું છે. આવા
અંતરાત્મપણારૂપ સાધન વડે પરમાત્મદશા પ્રગટ કરવાનો ઉપાય કરવો જોઈએ.
* શરીરાદિ બાહ્ય પદાર્થોમાં ‘આત્મા’ ની ભ્રાંતિ જે કરે છે તે બહિરાત્મા છે.
* રાગ–દ્વેષાદિ દોષો તથા ચૈતન્યસ્વરૂપ આત્મા–તેમના સંબંધમાં જે ભ્રાંતિથી રહિત
છે, અંતરમાં આત્માને જ આત્મારૂપે જાણે છે–તે અંતરાત્મા છે. તે રાગાદિ દોષને
દોષરૂપે જાણે છે, ને પોતાના ચૈતન્યસ્વભાવને સ્વભાવરૂપે જાણે છે; તેને
રાગાદિમાં ‘આત્મા’ ની ભ્રાંતિ થતી નથી, ને મલિનતાથી ભિન્ન પોતાના
શુદ્ધસ્વભાવને તે નિઃશંકપણે જાણે છે.
* જે અત્યંત નિર્મળ છે, જેમના રાગાદિ દોષો સર્વથા ટળી ગયા છે ને સર્વજ્ઞ
પરમપદ જેમને પ્રગટી ગયું છે, તે પરમાત્મા છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના
આત્માનું સ્વરૂપ જાણનાર જીવ બહિરાત્મભાવ છોડીને અંતરાત્મભાવ પ્રગટ કરે છે,
ને પરમાત્મપદને સાધે છે. માટે હે જીવો! અપૂર્વ શાંતિ પામવા આત્માને ઓળખો.
ગૃહસ્થપણામાં રહેલો જીવ પણ જ્ઞાનાનંદસ્વરૂપે આત્માનું ભાન કરીને અંતરાત્મા
થઈ શકે છે; હજી રાગ–દ્વેષ હોવા છતાં, આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે એવું સમ્યક્ભાન