: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
*
જીવ તો જ્ઞાન–દર્શન–આનંદસ્વરૂપ છે.
* દેહ વગેરે તો અજીવ છે, તે જીવથી ભિન્ન છે.
* રાગ–દ્વેષ–અજ્ઞાન તે દુઃખરૂપ ભાવો છે, એટલે કે તે આસ્રવ અને બંધરૂપ છે.
* સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તે જીવને સુખરૂપ છે, તે સંવર–નિર્જરા–
મોક્ષનું કારણ છે.
–આમ બધા તત્ત્વોને જેમ છે તેમ જાણીને, એક જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના
આત્મામાં જ આત્મબુદ્ધિ કરે છે, દેહાદિને પોતાથી બાહ્ય જાણે છે, રાગ–દ્વેષ–અજ્ઞાનને
દુઃખરૂપ જાણીને છોડે છે, ને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને સુખરૂપ જાણીને આદરે છે;–
આવા જીવને અંતરાત્મા કહે છે. આવું અંતરાત્મપણું ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને
બારમા ગુણસ્થાન સુધી હોય છે.
ચૈતન્યસ્વભાવને દેહાદિથી ભિન્ન જાણીને તેના અવલંબને સર્વજ્ઞતા ને આત્માનો
સ્વાધીન અતીન્દ્રિય આનંદ ભગવાને પ્રગટ કર્યો. તે ભગવાન પરમાત્મા સર્વજ્ઞ–
વીતરાગ અને પરમ હિતોપદેશક છે. પોતે સર્વજ્ઞ–વીતરાગ થયા, ને બીજા જીવોને પણ
અંતરંગસ્વરૂપના અવલંબને સર્વજ્ઞ–વીતરાગ થવાનો જ ઉપદેશ આપ્યો.
ભગવાનનો ઉપદેશ વીતરાગતાનો છે, રાગ રાખવાનો ભગવાનનો ઉપદેશ નથી.
જો રાગથી લાભ થાય તો ભગવાન પોતે રાગ છોડીને વીતરાગ કેમ થયા? અને જે
વીતરાગ થયા છે તે રાગથી લાભ થવાનું કેમ કહે? રાગથી લાભ થાય એવો
ભગવાનનો ઉપદેશ છે જ નહીં. રાગથી લાભ થાય–એવો ઉપદેશ તે હિતોપદેશ નથી પણ
અહિતોપદેશ છે, કેમકે રાગ તો અહિત છે, હિત તો વીતરાગતા જ છે.
આ અપૂર્વ હિતોપદેશ છે;–જીવે પૂર્વે કદી આવા આત્માની શ્રદ્ધા કે ઓળખાણ
કરી નથી. જ્ઞાનસ્વભાવનું લક્ષ કરવું તે જ પરમહિતનો માર્ગ છે, ને એવા હિતનો જ
ઉપદેશ ભગવાને કર્યો છે એટલે કે જ્ઞાનસ્વભાવ તરફ વળવાનો જ ભગવાનનો ઉપદેશ
છે. પરાશ્રયનો ભગવાનનો ઉપદેશ નથી, તે તો છોડવાનો ભગવાનનો ઉપદેશ છે.