* શ્રી નેમિ તીર્થેશ્વરની સ્તુતિ *
જિનવરદેવ પ્રત્યે ભક્તિની ઉત્સુકતા
શ્રી નેમિનાથ તીર્થંકરની સ્તુતિ કરતાં નિયમસારમાં શ્રી
પદ્મપ્રભમુનિરાજ કહે છે કે અહો પ્રભો નેમિ તીર્થેશ્વર! સર્વજ્ઞતાથી
શોભતું આપનું જ્ઞાનશરીર લોકાલોકનું નિકેતન છે; તેમાં લોકાલોક
સમાઈ જાય છે એવું તે મહાન છે. શંખના ધ્વનિથી આખી પૃથ્વીને
ધ્રુજાવનારા હે જિનેન્દ્ર! આપની દિવ્યધ્વનિના નાદથી અમારો મોહ
પણ બિચારો ધ્રુજી ઊઠીને ભાગવા માંડ્યો છે. અહો પ્રભો! આપનું
સ્તવન કરવા ત્રણલોકમાં કોણ મનુષ્યો કે દેવો સમર્થ છે? હે જિન!
આપના પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિને લીધે હું આપને સ્તવું છું.
અહો આનંદભૂમિ નેમિનાથ! આપના કલ્યાણક–ધામ
ગીરનારને જોતાં આપશ્રીની સર્વોત્કૃષ્ટ વીતરાગી સર્વજ્ઞદશા પ્રત્યે
અમારું દ્રવ્ય નમી પડે છે.