: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૩૫ :
વીર નાથભગવાનને જે વીતરાગી ઉત્તમ સદાચારો સમ્યગ્દર્શનાદિ બતાવ્યા છે, સત્ય
અહિંસા બતાવ્યા છે–તેની પ્રતીત કરીને ઉત્સાહપૂર્વક તેનું પાલન કરવાનો પ્રયત્ન
કરજે. વીતરાગી તત્ત્વોનો ખૂબ અભ્યાસ કરજે. દેહથી ભિન્ન આત્મતત્ત્વ કેવું છે?
આપણા પંચપરમેષ્ઠી (દેવ–ગુરુ) ભગવંતો કેવા મહાન છે! તે બરાબર ઓળખજે. તું
ગમે તેવી પરિસ્થિતિમાં હો તોપણ અંતરની ખટક રાખીને ધર્મતત્ત્વના અભ્યાસમાં
જરાય ઢીલો થઈશ મા.
(૩) ઉત્તમ આચરણ: આપણા ભગવાન મહાવીર વીતરાગ......આપણે તેમનાં સંતાન,
એટલે આપણે વીતરાગના સંતાન! વીતરાગના સંતાનને શોભે એવા ઉત્તમ
આચરણવાળું જીવન રાખજે. દુનિયાની લોલુપતાથી દૂર રહેજે; કષાયોના કલેશથી દૂર
રહેજે. શાંત–શાંત જીવન રાખજે. કોઈ સાથે વેરનું બીજ અંતરમાં રાખીશ નહિ સર્વત્ર
ભ્રાતૃભાવથી રહેજે.
(૪) પરસ્પર પ્રેમ–સહકાર: આજના જમાનામાં આ સૌથી ઉપયોગી અંગ છે; જેટલી
તત્ત્વજ્ઞાનની જરૂર છે એટલી જ ધર્મવાત્સલ્યની જરૂર છે. સાધર્મીની શોભા માટે
તારાથી જે કાંઈ થઈ શકે તે બધુંય કરજે. સહન કરવાનો પ્રસંગ આવે તો સહન
કરજે, પણ કોઈ સાધર્મીથી ખોટું લગાડીને કુસંપ વધારીશ નહીં. સમાજમાં પણ
સહકારથી સાથે રહેવામાં જૈનસમાજની શોભા છે. યુવાનો! તમે શ્વેતામ્બરમાં હો કે
દિગંબરમાં હો,–જો તમે યુવાનપેઢી દેશ–કાળની પરિસ્થિતિનો વિચાર કરીને સદ્બુદ્ધિ
વાપરીને સંપથી રહેશો તો એકંદર બંને પક્ષને ફાયદો જ થશે, ને અરસ–પરસ પ્રેમ–
વાત્સલ્ય–સહકારથી જૈનસમાજ શોભશે. આપણે અંદરોઅંદર ઝગડીએ, તેમાં કરોડો
રૂપિયા ખરચીએ–વરસો સુધી હેરાન થઈએ–ને આપણો ન્યાય કોઈ ત્રીજા અન્યમતી
લોકો કરે–એ તો શરમાવા જેવી વાત છે! શાંતિમાં જ મજા છે, લડવામાં મજા નથી–
ભલે વિજય થાય તોપણ!
(૫) સ્વરાજ્ય લેવા માટે ગાંધીજીના જમાનામાં દેશદાઝવાળા લોકો ગાતા કે–
ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે....
આજે મહાવીર–નિર્વાણના ૨૫૦૦ વર્ષીંય મહોત્સવ પ્રસંગે, મોક્ષનું રાજ્ય લેવા માટે
મોક્ષાર્થી જૈનયુવાનોને હાકલ પડી છે કે–
અવસર આવ્યો જૈનબંધુ તમે જાગજો રે...
ડંકો વાગ્યો...મહાવીરને મારગ આવજો રે...
તોડી પાડો....અનાદિ મિથ્યા ભાવને રે...ડંકો વાગ્યો
૦
માથું મેલો....ઓળખવા આત્મભાવને રે...ડંકો વાગ્યો૦
[શેષ ભાગ પૃષ્ઠ–૩૩ ઉપર]