: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
ધ્યાનવડે અભ્યંતરે દેખે જે અશરીર,
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની–ક્ષીર.
જ્ઞાન–આનંદસ્વરૂપ આત્મા છે, તે શરીરથી જુદો જ્ઞાતાદ્રષ્ટા છે; આત્મા શરીરનો
જાણનાર છે પણ પોતે શરીર નથી. અરે જીવ! આ શરીર તું નથી, તું તો ચૈતન્યસ્વરૂપી
અરૂપી છે; દેહથી ભિન્ન તારા સ્વરૂપને જાણ તો તને શાંતિ થશે.
આ શરીરને તો ‘ભવમૂર્તિ’ કીધી છે. આત્મા ચિદાનંદસ્વરૂપ છે તે આનંદની
મૂર્તિ છે, ને આ દેહ તો ભવની મૂર્તિ છે; તેની પ્રીતિથી તો ભવ થશે, આનંદ નહિ થાય.
અને આત્માને દેહથી ભિન્ન ઓળખતાં આનંદની પ્રાપ્તિ સહિત ભવનો અંત થશે.–
કાયાની વિસારી માયા.....સ્વરૂપે સમાયા એવા.....
નિર્ગ્રંથનો પંથ ભવ–અંતનો ઉપાય છે.....
આવો મનુષ્ય–અવતાર પામવો અનંતકાળે દુર્લભ છે. આવો મનુષ્ય–અવતાર
અને તેમાંય ઉત્તમ સત્સંગ પામીને અરે જીવ! તું વિચાર તો કર કે “હું કોણ છું? ”
ક્્યાંથી થયો? ને મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? કોની સાથે મારે સંબંધ છે? ”
–આ દેહ તો હમણાં થયો; ખોરાક–પાણીથી તે ઢીંગલું રચાણું; હું તે નથી, હું તો
આત્મા છું. મારો આત્મા કાંઈ નવો થયો નથી; શરીરનો સંયોગ નવો થયો છે. આ
આત્મા પહેલાંં (પૂર્વભવે) બીજા શરીરના સંયોગમાં હતો, ત્યાંથી તે શરીરને છોડીને
અહીં આવ્યો,–એ રીતે આત્મા તો ત્રિકાળ ટકનાર તત્ત્વ છે, ને દેહ તો ક્ષણિક સંયોગી
છે.
મારું સ્વરૂપ તો જ્ઞાન–આનંદસ્વરૂપ છે, શરીર–ઈન્દ્રિયો તે મારું સ્વરૂપ નથી, તે
તો જડનું રૂપ છે; તે શરીરાદિ સાથે મારે વાસ્તવિક કાંઈ સંબંધ નથી, તેની સાથેનો
સંબંધ તોડીને જ્ઞાનાનંદસ્વરૂપ સાથે જ મારે સંબંધ જોડવા જેવો છે. મારા ચિદાનંદતત્ત્વ
સિવાય જગતના કોઈ પદાર્થો સાથે મારે એકતાનો સંબંધ કદી પણ નથી.–આમ
સર્વપ્રકારે વિચાર કરીને, અંતર્મુખ ચિત્તથી જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના આત્માનો નિર્ણય
કરવો ને દેહાદિકને પોતાથી બાહ્ય–ભિન્ન જાણવા, તે સિદ્ધાંતનો સાર છે.–આ રીતે
આત્માને ઓળખવો તે જ પરમસુખનો ઉપાય છે.