Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 37

background image
* આત્મામાં ધર્મચક્ર ચાલુ કરો *
દુઃખથી થાકેલો ને અંદરથી ધા નાખતો જિજ્ઞાસુ જીવ
અતીન્દ્રિય આનંદનો તીવ્ર ચાહક બન્યો છે. તેને સંસારનો
કલબલાટ છોડી અંતરમાં આત્મપ્રાપ્તિનું એક જ ધ્યેય છે.
દુનિયાના કોલાહલથી કંટાળેલું તેનું ચિત્ત આત્મશાંતિને
નજીકમાં દેખીને તે તરફ એકદમ ઉલ્લસે છે. જેમ માતાને
તલસતું બાળક માતાને દેખતાં આનંદથી ઉલ્લસે છે ને દોડીને
તેને ભેટી પડે છે, તેમ આત્મા માટે તલસતું મુમુક્ષુનું ચિત્ત
આત્માને દેખીને આનંદથી ઉલ્લસે છે ને જલ્દી અંદરમાં જઈને
તેને ભેટે છે. તે મુમુક્ષુ બીજા જ્ઞાનીઓની અનુભૂતિની વાત
પરમ પ્રીતિથી સાંભળે છે: અહો, આવી અદ્ભુત અનુભૂતિ!–
આમ પરમ ઉત્સાહથી તે પોતાના સ્વકાર્યને સાધે છે. તેના
આત્મામાં ધર્મચક્ર ચાલુ થાય છે.
સાધર્મીઓ! વીરનિર્વાણના આ અઢીહજારવર્ષીય
મહાન ઉત્સવમાં આવી મંગલમય જ્ઞાનદશા પ્રગટ કરીને
આત્મામાં ધર્મચક્ર ચાલુ કરો, ને મહાવીરપ્રભુના માર્ગમાં
આવી જાઓ.
તંત્રી : પુરુષોત્તમદાસ શિવલાલ કામદાર * સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૦૧ ફાગણ (લવાજમ : છ રૂપિયા) વર્ષ ૩૨ : અંક ૫