: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
–આ પ્રમાણે ચેતન અને કાયા એ બંનેની વાત સાંભળીને છેવટે શ્રીગુરુએ
સંપૂર્ણપણે ચેતનને તેનું સ્વરૂપ સમજાવતાં કહ્યું કે–અરે ચેતન! કાયાને સાથે લઈ
જવાનો તારો અજ્ઞાનભરેલો આગ્રહ તું છોડી દે! કાયાની વાત સાચી છે. પરમાર્થરૂપ
સાચું તત્ત્વ તો એ છે કે તું ચેતન છો ને કાયા જડ છે, બંને સર્વથા જુદા છો; પણ તારું
અજ્ઞાન અને મોહ તને તે સત્ય તત્ત્વનો બોધ થવા દેતા નથી. અજ્ઞાનથી તું કાયાને
પોતાની માની બેઠો છે, તે માન્યતા શીઘ્ર છોડી દે, અને કાયાથી ભિન્ન પોતાના
અસંયોગી ચેતનસ્વરૂપી આત્માનું સાચું સ્વરૂપ સમજી લે. કાયાની માયામાં મફતનો શા
માટે હેરાન થઈ રહ્યો છે? એનું તો સ્વરૂપ જ વિનાશીક અને અનિત્ય છે, તું આત્મા
અવિનાશી નિત્ય રહેનાર છો. માટે હે ચેતનભૈયા! હવે તો આંખ ઊઘાડ! અને તારી
અખંડતા નિત્યતા તથા શુદ્ધતાનો સાક્ષાત્ અનુભવ કર.
સર્વજ્ઞજ્ઞાન વિષે સદા ઉપયોગલક્ષણ જીવ છે,
તે કેમ પુદ્ગલ થઈ શકે?–કે મારું આ તું કહે અરે!
શ્રી ગુરુનો આવો સારભૂત ઉપદેશ સાંભળીને ચેતન પોતાના અજ્ઞાનને છોડીને
પ્રતિબુદ્ધ થયો, હવે તે પોતે પોતાનું સ્વરૂપ પોતાના મુખથી કહે છે–
હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન–દર્શનમય ખરે;
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે.
મારો સુશાશ્વત એક દર્શન–જ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
હું દેહ નહીં, વાણી ન, મન નહીં, તેમનું કારણ નહીં;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં.
અહા, હું તો જ્ઞાનસ્વભાવી આત્મા છું. શ્રી ગુરુએ ઉપયોગલક્ષણ સમજાવીને,
દેહથી ભિન્ન મારું ચૈતન્યસ્વરૂપ મને દેખાડયું. સ્વસંવેદનથી મારું ચૈતન્યસ્વરૂપ જાણીને
હવે દેહાદિ અચેતનવસ્તુ મને જરા પણ મારી ભાસતી નથી, તે મારાથી બાહ્ય છે. હું
ચેતન, દેહ અચેતન; હું અમૂર્ત, શરીર મૂર્ત; હું અસંયોગી, શરીર સંયોગી; હું આનન્દનું
ધામ, શરીર અશુચીનું ધામ; મારે તેની સાથે કાંઈ લાગતું–વળગતું નથી. દેહની ભસ્મ
થાય તેથી કાંઈ મારું મૃત્યુ થતું નથી. દેહ ઉપર હું ગમે તેટલો ઉપકાર કરું, કે તેની પુષ્ટિ
માટે ને તેની શોભા માટે હું ગમે તેટલા પાપ કરું, તોપણ આ કૃતઘ્ની કાયા મારા પર કંઈ
પણ ઉપકાર કરવાની નથી; તેને માટે મેં જે પાપ કર્યાં તે પાપનું ફળ ભોગવવા કાંઈ તે
મારી સાથે આવવાની નથી. માટે તેનો મોહ છોડીને હવે મારું હિત કરવું છે ને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ એવો અશરીરી અતીન્દ્રિયભાવ પ્રગટ કરવો છે કે જેથી
ફરીને કદી આવી કાયાનો સંગ જ ન થાય.
કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા,
નિર્ગ્રંથનો પંથ ભવ–અંતનો ઉપાય છે.