: ૩૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
ભગવાનશ્રી યતિવૃષભ આચાર્યરચિત ‘ત્રિલોકપ્રજ્ઞપ્તિ’ નામના
પ્રાચીન મહાન ગ્રંથમાં ‘सिद्धलोकप्रज्ञप्ति’ નામના અધિકારમાં
‘સિદ્ધત્વના હેતુભૂત ભાવના’ નું આનંદકારી વર્ણન ગાથા ૧૮ થી ૬૫
સુધી ૪૮ ગાથા દ્વારા કર્યું છે. સિદ્ધત્વના હેતુભૂત આ ઉત્તમ ભાવના
વાંચીને ગુરુદેવને ઘણો પ્રમોદ થયો હતો, ને પ્રવચનમાં શ્રોતાજનો સમક્ષ
પણ તેનું વર્ણન કર્યું હતું, –જે સાંભળીને સૌને હર્ષોલ્લાસ થયો હતો.
અહા,–સિદ્ધત્વના હેતુભૂત ભાવનાથી કોને આનંદ ન થાય!–તેથી તે
આનંદકારી ભાવના અહીં આપીએ છીએ.
આ શાસ્ત્રકર્તા શ્રી યતિવૃષભ આચાર્ય ધવલા–જયધવલાના
ટીકાકારથી પર પ્રાચીન છે, અને ભાવના–અધિકારમાં આવેલી ઘણી
ખરી ગાથાઓ ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવના સમયસાર–પ્રવચનસાર
વગેરે શાસ્ત્રોની ગાથાઓને લગભગ મળતી આવે છે,–જાણે કે તેમના
શાસ્ત્રોનું દોહન કરીને જ આ ભાવના–અધિકાર રચાયો હોય! એવું જ
લાગે છે. સ્વ. પ્રો. હીરાલાલજી જૈન આ સંબંધમાં લખે છે કે–‘આ
અન્તિમ અધિકારમાં વર્ણવેલ સિદ્ધોનું વર્ણન અને આત્મચિન્તનનો
ઉપાય (–શુદ્ધાત્મભાવના) તે જૈનવિચારધારાની પ્રાચીન સંપત્તિ છે. ’
ચાલો, આપણે પણ આપણા આત્માને સિદ્ધત્વના હેતુભૂત આ
ભાવનામાં જોડીએ:–
• જેમ ચિરસંચિત ઇંધનને પવનથી પ્રજ્વલિત અગ્નિ શીઘ્ર જ જલાવી દે છે, તેમ
ઘણા કર્મરૂપી ઇંધનને શુદ્ધાત્માના ધ્યાનરૂપી અગ્નિ ક્ષણમાત્રમાં જલાવી દે છે.
• જે જીવ દર્શનમોહ અને ચારિત્રમોહને નષ્ટ કરીને, વિષયોથી વિરક્ત થયો થકો,
મનને રોકીને આત્મસ્વભાવમાં સ્થિર થાય છે તે મોક્ષસુખને પ્રાપ્ત કરે છે.
• જેને રાગ–દ્વેષ–મોહ તથા યોગપરિકર્મ નથી તેને શુભાશુભને ભસ્મ કરનાર
ધ્યાનમય અગ્નિ ઉત્પન્ન થાય છે.