: ૭૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૫૦૧
(ઉપકાર–અંજલિ)
આખી દુનિયા આજે મહાવીરપ્રભુના નામથી ગાજી રહી છે; ભારતભરના
નાના–મોટા સૌ જૈનો પોતાની બધી શક્તિથી, કળાથી–તન–મન–ધનના વૈભવથી
મહાવીરપ્રભુના ગુણગાનમાં લાગી ગયા છે. સાહિત્ય તો એટલું છપાય છે કે બધું
વાંચવાની વાત તો દૂર રહી, –એક ઘરમાં તે બધું સમાઈ પણ ન શકે. ચિત્ર–વિચિત્ર
કાર્યક્રમો, પ્રદર્શનો વગેરે પણ એટલા ભરચક છે કે કોઈ વ્યક્તિ તે બધામાં ભાગ લેવામાં
પહોંચી શકે નહિ.
–આટલું આટલું કરવા છતાં ભગવાન મહાવીરનો મહિમા જાણે હજી પૂરો થતો
નથી; કંઈક બાકી રહેતું હોય તેમ અધૂરું–અધૂરું લાગે છે.
ઊંડો વિચાર તો કરો.....શું બાકી રહે છે?
બસ એક જ! જે અનુભૂતિવડે ભગવાન મહાવીર ‘મહાન વીર’ બન્યા તેવી
આત્મઅનુભૂતિ કરવાથી જ વીરનાથના ગુણગાન પૂરા થાય તેમ છે. એ આત્મ–
અનુભૂતિના માર્ગને જેમ બને તેમ વધુ પ્રસિદ્ધિ મળે તે ઈષ્ટ છે; એવી અનુભૂતિ તે જ
મહા આનંદમય નિર્વાણમહોત્સવનો પ્રારંભ છે, એ જ પ્રભુ મહાવીરનું ફરમાન છે.
પ્રભુના એ ફરમાનને બહુમાનથી ઝીલીને, આ ચૈત્રમાસના ખાસ અંક દ્વારા
આત્મધર્મના સંપાદક અને હજારો–લાખો સાધર્મી–પાઠક–ભાઈ બહેનો, પ્રભુને
ભાવભીની ઉપકાર અંજલિ આપીએ છીએ. – બ્ર. હ. જૈન
* આત્મધર્મ અંક ૩૭૭ (ફાગણ) માં પાંચમા પાને ત્રીજી લીટીમાં “રાગથી ભિન્ન
ચૈતન્યને જ જાણતો હોવાથી” એમ ભૂલથી છપાયેલ છે તેને બદલે “રાગથી ભિન્ન
ચૈતન્યને નહિ જાણતો હોવાથી” –એમ સુધારીને વાંચવું.
* આત્મધર્મના આ વિશેષ અંકને શોભાવવા માટે તથા ઝડપથી સમયસર તૈયાર
કરી આપવા માટે અજિત પ્રેસના માલિક ભાઈશ્રી મગનલાલજી જૈન તથા
સ્ટાફના સર્વે ભાઈઓને ધન્યવાદ!