હોય; તેને સંસારનો કલબલાટ છોડી અંતરમાં આત્મપ્રાપ્તિનું એક જ ધ્યેય હોય;
આત્માના અનુભવ માટે તેના અંદરમાં ઊથલપાથલ થતી હોય, અનાદિથી જે
વિષયકષાયોમાં મગ્ન હતો તે હવે એકદમ રસહીન લાગે, અને અનાદિથી જે
આત્મસ્વરૂપ એકદમ અપરિચિત હતું તે હવે પરિચિત લાગવા માંડે, વારંવાર
તેના પરિચયનું મન થાય. દુનિયાના કોલાહલથી કંટાળેલું તેનું ચિત્ત
આત્મશાંતિને નજીકમાં દેખીને એકદમ ઉલ્લસતું હોય, જેમ માતાને તલસતું બાળક
માતાને દેખતાં આનંદથી ઉલ્લસે છે, ને દોડીને તેને ભેટી પડે છે; તેમ આત્મા માટે
તલસતું મુમુક્ષુનું ચિત્ત આત્માને દેખીને આનંદથી ઉલ્લસે છે–ને જલદી અંદરમાં
જઈને તેને ભેટે છે. જેમ તરસ્યું હરણું પાણીના તળાવ તરફ દોડે તેમ તેની
પરિણતિ શાંતિના ધામ તરફ વેગપૂર્વક દોડે છે. તે મુમુક્ષુ બીજા જ્ઞાનીઓની
અનુભૂતિની વાત પરમ પ્રીતિથી સાંભળે છે. અહો! આવી અદ્ભુત અનુભૂતિ!
એમ તેનું ચિત્ત તેમાં જ તત્પર બને છે. બસ, હવે અનુભવને વાર નથી,–કામ
ચાલું થઈ ગયું છે, ઘણા જ ટૂંકા સમયમાં કાર્યસિદ્ધિ થશે–સમ્યગ્દર્શન થશે,–આમ
પરમ ઉત્સાહથી તે પોતાના કાર્યને સાધે છે.