: વૈશાખ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
જરાક રાગ હોય છે, પણ તેને તે રાગનો લોભ નથી, આ રાગ ઠીક છે–એવો લોભ નથી,
રાગના ફળમાં ઈન્દ્રપદ મળશે–એવો લોભ નથી, વિદેહક્ષેત્રમાં અવતાર થાય તો સારૂં–
એવો પણ લોભ નથી; નિર્લોભ એવા પરમાત્મતત્ત્વને તેણે જાણ્યું છે. સર્વ પ્રકારના
લોભરહિત થઈને પરમાત્મતત્ત્વના ધ્યાનમાં લીનતાથી મોક્ષ થાય છે. મોક્ષ પ્રાપ્તિનો
લોભ પણ મોક્ષને અટકાવે છે, તો બીજા લૌકિક પદાર્થના કે રાગના લોભની તો શી
વાત? અરે જીવ! આવા વીતરાગભાવરૂપ આરાધના તે મોક્ષનું કારણ છે.
મુનિવરોની મતિ દ્રઢ સમ્યક્ત્વવડે ભાવિત છે, એટલે દર્શનશુદ્ધિની દ્રઢતાપૂર્વક
તેમને જ્ઞાનની પણ શુદ્ધતા પ્રગટી છે, આવા સમ્યગ્દર્શન અને જ્ઞાન સહિત દ્રઢચારિત્ર
હોય છે, ગમે તેવા પરીષહ આવે તોપણ આત્મધ્યાનથી ડગે નહિ,–એવી સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રની દ્રઢ આરાધના વડે આત્માને ધ્યાવતાં ધ્યાવતાં તેઓ મોક્ષપદને સાધે છે,
પરમાત્મપદને પામે છે.
વાહ! આરાધક જીવોનું સ્વરૂપ બતાવીને આચાર્યદેવ ભવ્ય જીવોને આવી
આરાધનામાં જોડે છે. આરાધક જીવોનું વર્ણન સાંભળતાં આરાધના પ્રત્યે ઉત્સાહ અને
ભક્તિ જાગે છે. આ રત્નત્રયની આરાધના તે સર્વ ઉપદેશના સારભૂત છે.
મહાવીરપ્રભુએ રાજગૃહીમાં વિપુલાચલ પરથી આત્માના ઈષ્ટસ્વભાવનો જે
ઉપદેશ દીધો તે ઝીલીને અનેક જીવો આવા આનંદમય રત્નત્રયને પામ્યા....આપણે પણ
આજે એ જ ઉપદેશને પામીને આત્મામાં રત્નત્રય પ્રગટ કરીએ. રત્નત્રયના ભાવોવડે જ
વીરપ્રભુનું ધર્મચક્ર ચાલી રહ્યું છે ને હજારો વર્ષ સુધી ચાલ્યા કરશે.
જય મહાવીર.....જય રત્નત્રય....જયધર્મચક્ર.
સુખનો સ્વાદ
ખાખરાની ખીસકોલી સાકરનો સ્વાદ ક્યાંથી જાણે?
તેમ ઈન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ પ્રાણી અતીન્દ્રિયસુખના સ્વાદને
ક્્યાંથી જાણે? જેણે જ્ઞાનને અંતરમાં વાળીને અતીન્દ્રિય
વસ્તુને કદી લક્ષગત કરી નથી તેને એ અતીન્દ્રિયવસ્તુના
અતીન્દ્રિયસુખની કલ્પના પણ ક્્યાંથી આવે? જ્ઞાનીએ
ચૈતન્યના અતીન્દ્રિયસુખનો અપૂર્વ સ્વાદ ચાખ્યો છે.