: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
સમ્યક્ત્વની અપૂર્વ ક્ષણ
[સમ્યક્ત્વજીવન–લેખમાળા: લેખાંક ૧૫]
–અને પછી તો એક એવી ક્ષણ આવે છે કે આત્મા કષાયોથી
છૂટીને ચૈતન્યના પરમ ગંભીર શાંતરસમાં ઠરી જાય છે...પોતાનું
અત્યંત સુંદર મહાન અસ્તિત્વ આખેઆખું સ્વ–સંવેદનપૂર્વક
પ્રતીતમાં આવી જાય છે. –એ જ છે સમ્યગ્દર્શન! એ જ છે મંગલ
ચૈતન્યપ્રભાત! અને એ જ છે મહાવીરનો માર્ગ!
અહા, એ અપૂર્વદશાની શી વાત! વહાલા સાધર્મીઓ!
આનંદથી પ્રભુના આ માર્ગમાં આવો....ને મોક્ષની મજા ચાખો.
આ જીવ સંસારમાં અનાદિથી રખડયો છે–તે માત્ર એક આત્માના ભાન વિના.
જીવે અનંતવાર પુણ્ય–પાપના પરિણામ કર્યાં છે, તેમાં કંઈ આશ્ચર્ય કે નવાઈ પામવા
જેવું લાગતું નથી. અને તે પુણ્ય–પાપની વાત પણ તેને વારંવાર સાંભળવા મળે છે,
એટલે તેની કંઈ જ મહત્તા નથી, તેમાં કંઈ હિત નથી.
હવે કોઈ મહાન પુણ્યોદયે જીવને પોતાના શુદ્ધસ્વરૂપની, એટલે કે પુણ્ય–પાપથી
પાર ચૈતન્યસ્વરૂપ આત્માની વાત સાંભળવા મળી.
જ્ઞાની–ગુરુ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળતાં અપૂર્વ ભાવ જાગ્યો કે–અહો!
આવું મારું સ્વરૂપ છે! આવો મહાન સુખ–શાંતિ–આનંદ–પ્રભુતાનો ચૈતન્યખજાનો મારા
પોતામાં જ ભર્યો છે–એમ જાણીને તેને બહુ જ આશ્ચર્ય થાય છે, આત્માનો અપૂર્વ પ્રેમ
જાગે છે, ને આવું મજાનું અદ્ભુત સ્વરૂપ બતાવનારા દેવ–ગુરુનો તે અપાર ઉપકાર
માને છે. તેને આત્માની ધૂન લાગે છે કે–બસ, મારું આવું આત્મસ્વરૂપ છે તેને હવે કોઈ
પણ પ્રકારે હું જાણું ને અનુભવમાં લઉં. એ સિવાય મને બીજે ક્્યાંય શાંતિ થવાની નથી.
અત્યારસુધી હું પોતે પોતાને ભૂલીને હેરાન થઈ ગયો. પણ હવે ભવકટ્ટી કરીને મોક્ષને
સાધવાનો અવસર આવ્યો છે.