Atmadharma magazine - Ank 380
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 45

background image
: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૫૦૧
અફર મુમુક્ષુ દશા
–તે પ્રગટ કરો ને મહાવીરના માર્ગમાં આવી જાઓ.
[સમ્યક્ત્વ–જીવન લેખમાળા : લેખાંક–૧૬]
અહા, મુમુક્ષુની વિચારધારા એવા કોઈ અપૂર્વ ભાવે ઊપડી
છે કે તેમાં રાગનો રસ તૂટતો જાય છે. પૂર્વે ૧૧ અંગ ભણ્યો ને તે
નિષ્ફળ ગયું તેના કરતાં આનું જ્ઞાન કોઈક જુદી જાતનું કામ કરે છે,
ને આ જ્ઞાનના સંસ્કાર નિષ્ફળ જવાના નથી; તે તો રાગથી જુદું
પડીને ચૈતન્યનું સ્વસંવેદન કરશે જ; –અને તે પણ અલ્પકાળમાં જ!
વાહ, આ મુમુક્ષુદશા પણ ધન્ય છે! તે એવી અફર છે કે આગળ
વધીને સમ્યક્ત્વ લેશે જ, સાધર્મીઓ! વીરનિર્વાણના આ ૨૫૦૦
વર્ષીય મહાન ઉત્સવમાં આવી મંગલમય જ્ઞાનદશા શીઘ્ર પ્રગટ કરો
ને મહાવીરપ્રભુના માર્ગમાં આવી જાઓ. (બ્ર. હ. જૈન)

સમ્યક્ત્વસન્મુખ જીવની ભાવના એવી ઉત્કૃષ્ટ હોય છે કે મારે જ્ઞાની ગુરુ પાસે
જવું છે, મારે એવા સંતોના ધામમાં રહેવું છે કે જ્યાં મને મારા આત્માનું જ્ઞાન થાય, ને
હું ભવદુઃખથી છૂટું. –આમ પોતાના હિત માટે આત્મા વિષે નવું નવું જાણવાની ઉત્કંઠા
રહે છે. અને ગુરુનો ઉપદેશ ઝીલતાં તેને અંતર્વિચારનાં દ્વાર ખુલી જાય છે. તેને ખ્યાલ
આવે છે કે આત્મઅનુભૂતિ માટે મારે હવે મારા અંતરમાં શું કરવાનું છે! આવું લક્ષ
થયા પછી તો અનુભૂતિ માટે તે એવો ઝંખતો હોય છે કે જેવો ખેડૂત વરસાદ માટે ઝંખે,
ને બાળક પોતાની વહાલી માને ઝંખે. આવી ઝંખનાને લીધે તેના વિચાર–વિવેક વધતા
જાય, આત્માનો રસ વધતો જાય, ને આત્મામાં ઊંડો....ઊંડો ઊતરતો જાય. બસ, હવે
હમણાં આત્માનું સમ્યગ્દર્શન પામું–એ જ કામ મારે કરવાનું છે. આવી તેની વિચારધારા
હોય છે.