: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૫ :
–તેને ભેદજ્ઞાનના વિચારના બળથી અંતરમાં શાંતિ આવતી જાય છે,–કે જે શાંતિ
રાગમાંથી આવેલી નથી, અંતરના કોઈક ઊંડાણમાંથી આવેલી છે.–આમ પોતાના
વેદનથી તેને અંતરનો માર્ગ ઊઘડતો જાય છે; તે માર્ગ જેમ જેમ વધુને વધુ સ્પષ્ટ થતો
જાય છે તેમ તેમ તેનો ઉત્સાહ પણ વધતો જાય છે.–હવે તેને માર્ગમાં સન્દેહ નથી પડતો,
કે પંથ અજાણ્યો નથી લાગતો.
અને પછી તો એક એવી ક્ષણ આવે છે કે આત્મા કષાયોથી છૂટીને ચૈતન્યના
પરમ ગંભીર શાંતરસમાં ઠરી જાય છે...પોતાનું અત્યંત સુંદર મહાન અસ્તિત્વ
આખેઆખું સ્વસંવેદનપૂર્વક પ્રતીતમાં આવી જાય છે.–એ જ સમ્યગ્દર્શન! એ જ છે
સાધ્યની સિદ્ધિ! એ જ છે મંગલ ચૈતન્યપ્રભાત! અને એ જ છે મહાવીરનો માર્ગ!
અહો, એ અપૂર્વ દશાની શાંતિની શી વાત! વહાલા સાધર્મી ભાઈ–બહેનો!
વિચારો તો ખરા, કે જૈનશાસનના સર્વે સંતોએ જેની ખૂબખૂબ પ્રશંસા કરી છે–તે
અનુભૂતિ કેવી હશે! એ વસ્તુનો મહિમા લક્ષમાં લઈને તેનો નિર્ણય કરો. એના
નિર્ણયથી તમને અપાર આત્મબળ મળશે ને શીઘ્ર તમારું કાર્ય સિદ્ધ થશે. બસ, બંધુઓ?–
* શીઘ્ર આત્મનિર્ણય કરો...... *
* આનંદમય અનુભૂતિ કરો...... *
* અપૂર્વ શાંતિનું વેદન કરો...... *
* ને મોક્ષના માર્ગમાં આવી જાઓ. *
–આ ભગવાન મહાવીરનો સન્દેશ છે;
ને આ જ તેમના નિર્વાણમહોત્સવની સાચી અંજલિ છે.
જય મહાવીર
[સ્વાનુભવરસઝરતી સમ્યક્ત્વ–લેખમાળામાં બીજા આઠ લેખો સમાપ્ત થયા.]
કેવો છોકરો!
અહા, આઠ વરસનો એક છોકરો કેવળજ્ઞાનીપણે આકાશમાં વિચરતો હશે...
ને દિવ્યધ્વનિવડે લાખોકરોડો જીવોને પ્રતિબોધતો હશે...એનો દિવ્યદેદાર કેવો હશે!!
ઈન્દ્ર–ચક્રવર્તીઓ એના ચરણોને પૂજતા હશે!!
વાહ રે વાહ, આત્મા! તારી તાકાતની શી વાત!!