: જેઠ : ૨૫૦૧ આત્મધર્મ : ૩૩ :
મોક્ષમાર્ગમાં વીતરાગી
ચારિત્રના ચમકારા
જેમ સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાન વગર મોક્ષ નથી હોતો–તે
પરમ સત્ય છે, તેમ એ પણ એટલું જ સત્ય છે કે વીતરાગી ચારિત્ર
વગર મોક્ષ હોતો નથી. એટલે મોક્ષાર્થીને સમ્યગ્દર્શનની જેમ
સમ્યક્ચારિત્ર પણ અત્યંત વહાલું છે.
જેણે સર્વ કષાયોથી અત્યંત જુદા એવા ઉપયોગસ્વભાવને જાણીને સમ્યગ્દર્શન
અને ભેદજ્ઞાન કર્યું છે તેને પછી વીતરાગભાવની વૃદ્ધિ થતાં શ્રાવકપણું તથા મુનિપણું
હોય છે; તેમાં ચારિત્રના વીતરાગી ચમકારથી આત્મા શોભી ઊઠે છે.
શુભ–અશુભ, પુણ્ય–પાપ, હર્ષ–શોક તે બધા સંસારના દ્વંદ છે; તે બધાયથી ભિન્ન
ચેતનાસ્વરૂપ આત્મા છે. એવા આત્માને જાણવો–શ્રદ્ધવો–ધ્યાવવો તે જ શાસ્ત્રની લાખો
વાતોનો સાર છે; માટે આવો નિશ્ચય કરીને અંતરમાં તમે સદા આત્માને ધ્યાવો–એમ
કહ્યું. આ રીતે પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની આરાધના જેણે પ્રગટ કરી છે તેને
મોક્ષમાર્ગમાં આગળ વધતાં શું થાય છે! કે ચારિત્રના ચમકાર થાય છે. કેવા ચમકાર
થાય છે? તેનું આ વર્ણન છે.
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનમાં જે આત્મસ્વરૂપ અનુભવમાં આવ્યું છે તે
જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્ર થતાં આત્મશાંતિ વધે ને રાગાદિ કષાયભાવો છૂટે, તેના
પ્રમાણમાં ચારિત્રદશા હોય છે. તે ચારિત્ર રાગરૂપ નથી પણ વીતરાગભાવરૂપ છે, તેમાં
કષાય નથી પણ પરમ શાંતિ છે; તે સ્વર્ગના ભવનું કારણ નથી પણ મોક્ષનું કારણ છે.
આવી ચારિત્રદશા સાથે તે ભૂમિકામાં જે રાગ બાકી રહી જાય તે અત્યંત મર્યાદિત હોય છે.
ચોથાગુણસ્થાને અંશે વીતરાગભાવ થયો છે પણ વ્રતભૂમિકાને યોગ્ય
વીતરાગભાવ હજી ત્યાં નથી હોતો તેથી તેને ‘અવિરત’ કહેવાય છે. ચોથા ગુણસ્થાને
સમ્યગ્દ્રષ્ટિને અનંતાનુબંધી ક્રોધ–માન–માયા–લોભના અભાવરૂપ ‘સ્વરૂપાચરણ’ તો છે,
તથા તેટલી આત્મશાંતિ તો નિરંતર વર્તે છે; પણ હિંસાદિ પાપોના નિયમથી ત્યાગરૂપ
ચારિત્ર શ્રાવકને તથા મુનિઓને હોય છે. તેમાં શ્રાવકને પાંચમાગુણસ્થાને જોકે
એકદેશચારિત્ર હોય છે, છતાં સર્વાર્થસિદ્ધિના દેવો કરતાંય તે વધારે સુખી છે. –અહો,
ચારિત્રદશા કેવી મહિમાવંત છે!