શું કરવું?
ઘણા જીવોને પ્રશ્ન થાય છે કે ધર્મ કરવા અમારે શું કરવું? તેનો ઉત્તર નીચેની
માત્ર આઠ લાઈનમાં ગુરુદેવ સ્પષ્ટ સમજાવે છે –
જ્ઞાની કે અજ્ઞાની–કોઈ જીવ પરમાં એક પરમાણુ માત્રને હલાવવાનું સામર્થ્ય
ધરાવતો નથી, એટલે પોતાની ભિન્ન જડ દેહાદિની ક્રિયામાં આત્માનું કર્તૃત્વ નથી.
જ્ઞાની ને અજ્ઞાનીમાં આકાશ–પાતાળ જેવડો મહાન તફાવત છે, અને તે એ છે કે
અજ્ઞાની પરદ્રવ્યનો રાગ–દ્વેષનો કર્તા થાય છે, અને જ્ઞાની પોતાને શુદ્ધ અનુભવતો થકો
તેમનો કર્તા થતો નથી. પરથી ભિન્ન પોતાના એકત્વની અનુભૂતિવડે જ પરના
કર્તૃત્વનો મિથ્યાઅભિપ્રાય છૂટે છે, અને તેનો જ મહાન પ્રયત્ન દરેક જીવે કરવાનો છે.
તે કર્તૃત્વબુદ્ધિ છૂટયા વગર પરિભ્રમણ છૂટશે નહિ; માટે સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને,
પરના કર્તૃત્વની બુદ્ધિ છોડો. સુખી થવા માટે આ જ કરવાનું છે.
ક્રિયા: કોણ સ્થાપે છે?
જ્ઞાની સ્થાપે છે
૧. શરીરની ક્રિયા તે પુદ્ગલ–
પરમાણુઓની અવસ્થા છે અને
પરમાણુઓ સ્વતંત્રપણે પરિણમે છે
અર્થાત્ શરીરની તે અવસ્થારૂપ થાય છે.
આત્મા તેનો ખરેખર કર્તા નથી, એમ
જ્ઞાનીઓ જ શરીરની ક્રિયાને જેમ છે તેમ
સ્થાપે છે.
૨. પુણ્યક્રિયા તે જીવનો
વિકારભાવ છે, તે ક્રિયાથી આત્માનો
અવિકારી ધર્મ પ્રગટે નહિ તેમ જ તે
ક્રિયા ધર્મમાં મદદ કરે નહિ–એમ
જ્ઞાનીઓ જ પુણ્યક્રિયાને પુણ્યની ક્રિયા
તરીકે સ્થાપે છે.
૩. આત્માની અવિકારી ક્રિયા તે
ધર્મ છે, તે ક્રિયા આત્માના જ અવલંબને
પ્રગટે છે, તેમાં કોઈ બીજાનું અવલંબન
નથી તેમ જ પુણ્યની ક્રિયાથી તે
અવિકારી ક્રિયા પ્રગટતી નથી–એમ
જ્ઞાનીઓ જ અવિકારી ક્રિયાને બરાબર
સ્થાપે છે.
– કોણ ઉથાપે છે?
અજ્ઞાની ઉથાપે છે
૧. શરીરની ક્રિયા આત્માથી થાય છે,
પણ એની મેળે સ્વતંત્ર થતી નથી–એમ
માનીને અજ્ઞાનીઓ જ શરીરની
સ્વતંત્ર ક્રિયાને ઉથાપે છે, કેમકે તેઓ
પુદ્ગલ પરમાણુઓની સ્વતંત્ર ક્રિયાને
સ્થાપતા નથી.
૨. પુણ્ય–ક્રિયા અર્થાત્ શુભરાગરૂપ
વિકારી ક્રિયાથી ધર્મ થાય અથવા તો તે
કરતાં કરતાં ધર્મ થાય એમ માનીને
અજ્ઞાનીઓ જ પુણ્યની ક્રિયાને ઉથાપે છે;
કેમકે પુણ્ય તે વિકારી ક્રિયા છે, છતાં તેઓ
વિકારી ક્રિયાને વિકારી ક્રિયા તરીકે
સ્થાપતા નથી.
૩. આત્માની અવિકારી ક્રિયા પુણ્ય
કરતાં કરતાં થાય અથવા તો કંઈક
પરાવલંબન જોઈએ–એમ માનીને
અજ્ઞાનીઓ જ અવિકારી ધર્મ–ક્રિયાને
ઉથાપે છે; કેમકે પુણ્યની અપેક્ષા રહિત
નિરાવલંબી અવિકારી ધર્મક્રિયા છે તેને
તેઓ સ્થાપતા નથી.