: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
૨૬. જે જીવ રાગની રુચિ કરે છે તે જીવ, રાગથી ભિન્ન એવી જ્ઞાનીની પરિણતિને
ઓળખી શકતો નથી. પોતે રાગથી જુદો પરિણમે તો જ જ્ઞાનીની પરિણતિને
સાચી રીતે ઓળખાય.
૨૭. આ બાજુ જ્ઞાનાનંદસ્વભાવ, સામી બાજુ રાગાદિ પરભાવ; આ બાજુ આવ્યો તે
મુક્ત થાય છે, ને રાગાદિ પરભાવ તરફ વળ્યો તે બંધાય છે.
૨૮. સંતો અંતરની ચૈતન્યગૂફામાં આનંદના અનુભવમાં ઝૂલતા ઝૂલતા મોક્ષને સાધી
રહ્યા છે...પરમાત્મા એમની દ્રષ્ટિમાં તરવરે છે; તેમણે પરમ–આત્મા સાથે ગોષ્ઠી
બાંધીને રાગ સાથેની ગોષ્ઠી તોડી નાંખી છે.
૨૯. જ્ઞાની રાગથી દૂર થઈ પરમાત્મસ્વભાવમાં પેઠા ત્યાં બંધન તો બહાર રહ્યું.
પરમાત્મસ્વભાવમાં કર્મનો પ્રવેશ નથી; તેથી શુદ્ધનયવડે જે પરમાત્મસ્વભાવમાં
ઊંડા ઊતર્યા તેને બંધન નથી, એ તો મુક્તિસુખનો સ્વાદ ચાખે છે.
૩૦. અહો, આ શુદ્ધાત્માનું અવલંબન તે જ પરમ શાંતરસનું પોષક છે. સંતોએ
સ્વાનુભવ વડે પ્રસિદ્ધ કરીને તે સુગમ કરી દીધું છે. –એવા સંતોના ઉપકારને
સજ્જનો કેમ ભૂલે?
૩૧. સ્વભાવનો આશ્રય કરીને જેણે શુદ્ધઅનુભૂતિ પ્રગટ કરી તેણે પરમ શાંત
અતીન્દ્રિય ચૈતન્યરસ ચાખ્યો, અને સર્વશાસ્ત્રનું રહસ્ય તેણે પ્રાપ્ત કરી લીધું.
૩૨. સમ્યગ્દ્રષ્ટિનું ચિત્ત શુદ્ધનયથી ઓપતું–દીપતું છે; બહારમાં દેહ ભલે સુંદર હો કે
અસુંદર, –પણ જેને અંતરમાં નિર્મળઅનુભૂતિ પ્રગટી તે કૃતકૃત્ય છે, મહાન છે,
ચૈતન્યની અત્યંત સુંદરતાથી તે શોભે છે.
૩૩. શુદ્ધ આત્માને અવલંબનારી ધર્માત્માની ચેતનાપરિણતિ અત્યંત ધીર છે, ઉદાર
છે, ગંભીર છે, પવિત્ર છે, અને એવી બળવાન છે કે સમસ્ત કર્મોને મૂળમાંથી
ઉખેડી નાંખે છે.
૩૪. ધર્માત્માનું સાધકપણું ને સાધ્ય એ બંને અંતરમાં જ સમાય છે. સાધ્ય, સાધક ને
સાધન ત્રણે નિર્વિકલ્પપણે પોતામાં જ સમાય છે, વચ્ચે બીજું કોઈ સાધન નથી.
૩૫. આ દેહમાં રહેલો ચૈતન્યપ્રભુ, બેહદ જ્ઞાન–આનંદની પ્રભુતાથી ભરેલો છે, તેનું
અંતરભાન કરીને જ્ઞાનીએ રાગથી ભિન્ન ચૈતન્યભગવાનના ભેટા કર્યા છે, તે
અપૂર્વ ધર્મ છે.