: ૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૫૦૧
૩૬. જ્યાં ચૈતન્યની અત્યંત સુંદરતાને જાણી ત્યાં જ્ઞાનીને ધર્મધારા ચાલી, તે ધારા
એવી અતૂટ છે કે શુભાશુભપરિણામ વખતેય તે જ્ઞાનધારા છૂટતી નથી; તે
જ્ઞાનધારા અપ્રતિહતપણે આગળ વધીને કેવળજ્ઞાન સાથે ‘જોડણી’ કરશે.
૩૭. શુદ્ધ ઉપયોગ ન હોય ત્યારે પણ, અરે! ઊંઘ વખતેય ધર્મીને જ્ઞાનધારાનો પ્રવાહ
સતત ચાલે જ છે, તેનું જ્ઞાન અજ્ઞાનરૂપ થઈ જતું નથી. તેની શ્રદ્ધા અને ચેતના
સદાય નિર્વિકલ્પ છે; તેનું ઈષ્ટ કાર્ય ચાલુ જ છે.
૩૮. સમ્યગ્દર્શન થયું ત્યારથી જ જ્ઞાનની ધારા સમ્યક્પણે વર્તે છે. વિકલ્પ હોવા છતાં
તેનાથી ભિન્નપણે જ્ઞાનધારા વર્તે છે; આવી જ્ઞાનધારામાં અશુદ્ધતાનો ને કર્મનો
અભાવ છે.
૩૯. ‘હું શુદ્ધ જ્ઞાન છું’ –એવા અનુભવપણે જે જ્ઞાન પરિણમ્યું તે હવે જ્ઞાનપણે જ
રહેશે, તેમાં વચ્ચે રાગ નહિ આવે; રાગ જુદા જ્ઞેયપણે રહેશે પણ જ્ઞાન તેમાં
તન્મય નહિ થાય.
૪૦. સ્વરૂપમાં નિર્વિકલ્પ ઉપયોગ ગણધરદેવ જેવાનેય અંતર્મુહૂર્ત કરતાં વધારે કાળ
રહેતો નથી; પરંતુ જ્ઞાનની સમ્યક્ધારા તો સવિકલ્પદશામાંય સમકિતી–
અવિરતીગૃહસ્થોને પણ સતત ચાલુ રહે છે.
૪૧. અહો વીરનાથ! આપનો માર્ગ ખરેખરો વીરતાનો જ માર્ગ છે; આપના માર્ગમાં
રાગની કાયરતા છૂટીને વીતરાગી–વીરતા જાગે છે, ને વીરપણે આત્મા મોક્ષને
સાધે છે.
૪૨. પ્રભો! આપના માર્ગમાં ચાલી રહેલા નાનામાં નાના સમકિતીની દશા પણ કોઈ
અદ્ભુત આશ્ચર્યકારી શાંતિમય હોય છે; –તેને ઓળખનારા પણ ધન્ય બની જાય
છે.
૪૩. અહો, ધર્માત્માની અનુભૂતિ કેવી હોય, અને પોતાને તેવી અનુભૂતિ કેમ પ્રગટે?
તે સમજવાની જેને ધગશ છે એવા શિષ્યને આચાર્યદેવ કહે છે કે નિજસ્વરૂપના
મહિમામાં લીન થવાથી શુદ્ધાત્માની અનુભૂતિ થાય છે.
૪૪. શુભાશુભરાગના એક અંશને પણ જ્ઞાન સાથે ન ભેળવવો, અને જ્ઞાનને આત્મા
સાથે અત્યંત તન્મય અનુભવવું, –આવું ભેદજ્ઞાન તે સંવરનું મૂળ સાધન છે.
૪૫. જ્ઞાનીનો જે ભાવ ચિદાનંદસ્વભાવમાં તન્મય થઈને પરિણમ્યો તે ભાવ જ્ઞાનમય
છે, તેમાં રાગ–દ્વેષ–મોહ નથી. સ્વભાવના પરિણમનની ધારામાં વિભાવ કેમ
હોય? વાહ રે વાહ! સાધકની જ્ઞાનધારા! –ઘણી ગંભીર છે.