: શ્રાવણ : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
૪૬. જેમ વીજળી પડે ને પર્વતના કટકેકટકા થઈ જાય ને ફરીને સંધાય નહિ, તેમ
ભેદજ્ઞાનરૂપી વીજળીના પ્રહાર વડે જ્ઞાનીને જ્ઞાન અને રાગની એકતા તૂટી તે
ફરીને કદી સંધાવાની નથી.
૪૭. અહા, અંતરના અપૂર્વ પુરુષાર્થથી ભેદજ્ઞાન કરતાં જ્યાં પોતાના અંતરમાં જ
પરમાત્માનો ભેટો થયો ત્યાં હવે પામર જેવા પરભાવો સાથે સંબંધ કોણ રાખે?
રાગથી જુદી જ્ઞાનધારા ઉલ્લસી તે ઉલ્લસી, હવે પરમાત્મપદને ભેટયે છૂટકો.
૪૮. જુઓ તો ખરા, આ સ્વભાવના સાધકનું જોર! પંચમકાળના મુનિરાજે પણ
ક્ષાયિક જેવા અપ્રતિહત ધારાવાહી ભેદજ્ઞાનની આરાધના બતાવી છે. આવા
જ્ઞાનની અંતરમાં વીરતાથી કબુલાત આવવી જોઈએ.
૪૯. અરે, આવી ચૈતન્યઅનુભૂતિનો કેટલો મહિમા છે, ને એવો અનુભવ કરનાર
ધર્માત્માની શી સ્થિતિ છે! તેની લોકોને ખબર નથી. એ ધર્માત્માએ પોતાના
આંગણે મોક્ષના માંડવા નાખ્યા છે.
૫૦. –એ અનુભવીના અનુભવમાં બારે અંગનો સાર સમાઈ ગયો છે, બાર અંગરૂપ
શ્રુતસમુદ્રમાં રહેલું શ્રેષ્ઠ ચૈતન્યરત્ન તેણે પ્રાપ્ત કરી લીધું છે; સંસારનું મૂળ તેને
છેદાઈ ગયું છે.
૫૧. અવિરતિ સમકિતીના અંતરમાં પણ ભેદજ્ઞાનના બળે ક્ષણે–ક્ષણે સિદ્ધપદની
આરાધના ચાલી રહી છે. જેમ મુનિવરો મોક્ષના સાધક છે તેમ આ ધર્માત્મા પણ
મોક્ષના સાધક છે.
૫૨. જીવના પરિણામના બંધ અને મોક્ષ એવા બે ભાગ પાડો તો સમ્યક્ત્વપરિણામ
તે મોક્ષસ્વરૂપ જ છે, તેમાં જરાય બંધન નથી; અને રાગાદિ બંધ ભાવો જરાપણ
મોક્ષનું કારણ નથી.
૫૩. અરે જીવ! એકવાર તો જ્ઞાનના સ્વાશ્રયે ઊભો થા! અને ભેદજ્ઞાનરૂપી વજ્રવડે
એકવાર તો જ્ઞાન અને રાગ વચ્ચેની સંધિને તોડી નાંખ–તને બહુ મજા આવશે.
૫૪. અરે જીવ! સાચા ભાવથી આત્માની લગનીમાં લાગ્યો રહે ને તેમાં ભંગ ન
પડવા દે તો છ મહિનાથી પણ ઓછા વખતમાં તને નિર્મળ અનુભૂતિ
(સમ્યગ્દર્શન) જરૂર થઈ જશે. ઘણા જીવોને થયું છે તેમ તને પણ થશે.
૫૫. ભેદજ્ઞાનનો તીવ્ર અભ્યાસ તે આત્મપ્રાપ્તિનો ઉપાય છે. ભેદજ્ઞાનના અભ્યાસથી
જરૂર આત્મપ્રાપ્તિ થશે; –એક શરત, કે બીજો બધો કોલાહલ છોડીને... ’ (એટલે
કે આત્માની એકની જ લગની લગાડીને...) અભ્યાસ કરવો.