: ભાદરવો : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
વધામણી લાવ્યો છું. આપણી નગરીના ચંદનવનમાં આજ સુગુપ્તિ નામના મહાન
મુનિરાજ પધાર્યા છે; જેમ સાધકજીવોના બગીચા રત્નત્રય–વડે ખીલી ઊઠે તેમ, આખું
ઉદ્યાન મોસમ વગર પણ કેરી વગેરે સુંદર ફળ–ફૂલથી અત્યંત ખીલી ગયું છે, ને અદ્ભુત
શોભા થઈ ગઈ છે.
તે સાંભળતાં જ અત્યંત હર્ષિત થઈને રાજાએ તે માળીને ઈનામ આપ્યું અને
પોતે સિંહાસન પરથી ઊતરીને મુનિરાજને પરોક્ષ નમસ્કાર કર્યા; ત્યારબાદ આનંદભેરી
વગડાવીને નગરજનો સહિત ધામધૂમથી મુનિરાજની વંદના કરવા લાગ્યા. ભક્તિપૂર્વક
વંદન–પૂજન કરીને બેઠા.
શ્રી મુનિરાજે તેને આશીર્વાદ આપતાં કહ્યું–હે રાજન! તમને મોક્ષના કારણરૂપ
રત્નત્રય–ધર્મની વૃદ્ધિ હો.
મુનિરાજના આશીર્વાદથી રાજા પ્રસન્ન થયા અને કહ્યું–હે પ્રભો! આપના
શ્રીમુખથી રત્નત્રયધર્મનું સ્વરૂપ સાંભળવાની મને ચાહના થઈ છે, તો કૃપા કરીને
રત્નત્રયનું સ્વરૂપ સંભળાવો.
મુનિરાજના શ્રીમુખથી જાણે અમૃત ઝરતું હોય–તેમ વાણી નીકળી: હે રાજન!
સાંભળો! અનેક પ્રકારનાં દુઃખોથી ભરેલો આ સંસાર, તેનાથી છોડાવીને અનંત સુખના
ધામ એવા મોક્ષને પમાડે તેનું નામ ધર્મ છે. તે ધર્મ એટલે કે મોક્ષમાર્ગ–સમ્યગ્જ્ઞાન,
સમ્યગ્દર્શન–સમ્યક્ચારિત્ર એવા ત્રિરત્નસ્વરૂપ છે; તેને ઓળખીને તેનું આરાધન કરો.
રાજાએ પૂછયું: પ્રભો! તે રત્નત્રયધર્મમાંથી પ્રત્યેક ધર્મનું સ્વરૂપ જાણવાની
સભાને આકાંક્ષા છે.
શ્રી મુનિરાજે કહ્યું : સાંભળો! રત્નત્રયમાં સૌથી પ્રથમ સમ્યગ્દર્શન છે;
સર્વજ્ઞવીતરાગ જિનવરદેવ, નિર્મોહી–નિર્ગ્રંથ–રત્નત્રયવંત ગુરુ અને તેમણે કહેલાં જીવ–
અજીવાદિ સાત તત્ત્વોનું સ્વરૂપ બરાબર ઓળખીને, તેમાંથી સારભૂત (ભૂતાર્થ)
પોતાના શુદ્ધાત્મતત્ત્વને અનુભૂતિમાં લઈને તેની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે.
‘શુદ્ધનય ભૂતાર્થ છે’ એટલે કે શુદ્ધનય અને તેના વિષયરૂપ શુદ્ધઆત્મા, તેને અભેદ
કરીને ‘ભૂતાર્થ’ કહેલ છે, ને તે ભૂતાર્થનો આશ્રય કરનાર જીવ સમ્યગ્દ્રષ્ટિ હોય છે.
(भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो)
તે સમ્યગ્દર્શનના આઠ અંગ છે:–
• તલવારની તીખી ધાર જેવો શ્રેષ્ઠ જિનમાર્ગ, તે સન્માર્ગ છે, તેમાં કોઈ શંકા
વગર નિશ્ચલ રુચિ કરવી તે નિઃશંકતા–અંગ છે. (૧)