Atmadharma magazine - Ank 383
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
: ૧૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
બધી દુર્લભ વસ્તુઓમાં રત્નત્રય સૌથી દુર્લભ છે. રત્નત્રયધર્મની આરાધના નહિ
કરવાથી જીવ દીર્ઘ સંસારમાં રખડયો. રત્નત્રયધર્મની આરાધના કરનાર જીવ આરાધક
છે, અને તેની આરાધનાનું ફળ કેવળજ્ઞાન છે.
આવા રત્નત્રયની આરાધનામાં, અને તેની વ્રતકથામાં ભગવાન મલ્લિનાથના
પૂર્વભવનું ઉદાહરણ પ્રસિદ્ધ છે; તે અહીં આપ વાંચશો.
• •
[તેમણે પૂર્વભવમાં કરેલી રત્નત્રયવ્રત–ઉપાસના]
મિથિલાપુરીના મહારાજા કુંભ અને મહારાણી સુપ્રભા, તેમના પુત્ર મલ્લિકુમાર,
–કે, જેઓ આ ભરતક્ષેત્રના ૧૯ મા તીર્થંકર થયા, તેઓ પૂર્વભવમાં વિદેહક્ષેત્રમાં
વૈશ્રવણ નામના રાજા હતા; ત્યાં તેમણે આઠ અંગ સહિત સમ્યગ્દર્શન, આઠ અંગ સહિત
સમ્યગ્જ્ઞાન, તથા તેર અંગસહિત સમ્યક્ચારિત્ર–એવા રત્નત્રયધર્મનું સ્વરૂપ એક
મુનિરાજ પાસેથી સાંભળ્‌યું હતું, ને મુનિરાજના ઉપદેશઅનુસાર તે રત્નત્રયવ્રતનું
વિધાન કરીને પરમ બહુમાનથી તેનું ઉદ્યાપન કર્યું હતું; પછી પોતે પણ સંસારથી વિરક્ત
થઈ, રત્નત્રયધર્મ પ્રગટ કરી, દર્શનવિશુદ્ધિઆદિ ૧૬ ઉત્તમ ભાવનાપૂર્વક તીર્થંકરનામકર્મ
બાંધી, ત્રીજા ભવે મલ્લિનાથ તીર્થંકર થઈને મોક્ષપુરીમાં પધાર્યા, તેમની આ કથા છે...તે
રત્નત્રય–ધર્મના બહુમાનપૂર્વક તમે વાંચો....સાંભળો.
જંબુદ્વીપના દક્ષિણ ભાગમાં આ ભરતક્ષેત્રમાં આપણે રહીએ છીએ; તેના પૂર્વ
ભાગમાં પૂર્વ–વિદેહક્ષેત્ર છે, ત્યાં વીતશોકા નામની એક સુંદર નગરી છે. મોક્ષાભિલાષી
ધર્માત્માઓથી ભરેલી તે નગરીમાં અનેક મુનિવરો વિચરે છે. ઊંચા ઊંચા અનેક
જિનમંદિરો ઉપર ધર્મધ્વજા ફરકી રહી છે...ને ફરફરાટ વડે જાણે કે દેવોને તે સાદ પાડી
રહી છે કે હે ભાઈ દેવો! દેવલોકમાં તમને મોક્ષ ન પ્રાપ્ત થતો હોય તો તે પ્રાપ્ત કરવા
અહીં આવો....આ નગરીમાં કેવળીભગવંતો સદાય વિચરે છે. વીતરાગી દેવ–શાસ્ત્ર–ગુરુ
સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ અહીં દેખાતી નથી...એક શુદ્ધ જૈનધર્મ જ અહીં નિરંતર વર્તે છે.
તમને પ્રશ્ન થશે કે આવી સુંદર નગરીના રાજા કોણ હશે! –સુંદર નગરીના રાજા
પણ સુંદર જ હોય ને! તીર્થંકર મલ્લિનાથના આત્મા પોતે પૂર્વભવમાં આ મનોહર
વીતશોકા નગરીના રાજા હતા...તેમનું નામ વૈશ્રવણ. તેઓ આત્માને જાણનારા હતા, ને
તેમનું ચિત્ત સદા રત્નત્રયની ભાવનામાં લીન રહેતું. એક વખત તેઓ રાજસભામાં બેઠા
હતાં, ત્યાં ઉદ્યાનનો માળી આનંદપૂર્વક આવીને કહેવા લાગ્યો–હે સ્વામી! હું એક ઉત્તમ