Atmadharma magazine - Ank 383
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 45

background image
: ૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૫૦૧
શુદ્ધકાર્ય થયું. એટલે, ભૂતાર્થસ્વભાવનો સ્વીકાર કરનારી પર્યાયને પણ અભેદપણે
ભૂતાર્થ કહેવામાં આવી છે. રાગાદિક તે અભૂતાર્થ છે, ને સ્વભાવમાં વળેલી જ્ઞાનપર્યાય
તે ભૂતાર્થ છે, તેને ‘ભૂતાર્થધર્મ’ પણ કહ્યો છે. અજ્ઞાની તે ભૂતાર્થધર્મને જાણતો નથી.
અહા, પોતાની સ્વાનુભૂતિથી મેં મારા આવા પરમ તત્ત્વને જાણ્યું છે, ને બીજા
બધા જીવોમાં પણ આવું પરમાત્મતત્ત્વ છે–એમ શુદ્ધનયથી મેં જાણ્યું છે, –તો હવે હું
સુબુદ્ધિ તેમજ કુબુદ્ધિ જીવોમાં ભેદ કયા નયથી જાણું? પર્યાયના ભેદે શુદ્ધસ્વભાવમાં ભેદ
હું કેમ જાણું? વાહ! જુઓ આ શુદ્ધનયની મસ્તી! આવા શુદ્ધનયથી બધા જીવોને
પરમાત્મસ્વરૂપે જોનારો હું તેમનામાં ભેદ કયા પ્રકારે દેખું? વ્યવહારથી જોતાં પર્યાયમાં
ભેદ છે, પણ શુદ્ધનયમાં તે પર્યાયના ભેદને હું કેમ દેખું? –વાહ રે વાહ! પોતાનો પરમ
સ્વભાવ અનુભૂતિમાં લીધો ત્યાં બીજામાં પણ એકલી પર્યાયને નથી દેખતો, તેમનામાં
પણ અષ્ટમહાગુણથી શોભતો કારણસમયસાર બિરાજી રહ્યો છે–એમ ધર્મી દેખે છે. અને
તેઓ જ્યારે પોતાના કારણસમયસારને જાણશે ત્યારે તેમને પણ પર્યાયમાં શુદ્ધકાર્ય
પ્રગટ થશે.
હે જીવ! તું આવા પોતાના સ્વભાવની શ્રદ્ધા તો જરૂર કર! આ દગ્ધ
પંચમકાળમાં પણ એની શ્રદ્ધા થઈ શકે છે. ગા. ૧૫૪ માં આચાર્યદેવ કહે છે કે–અરે, આ
દગ્ધકાળ (પંચમકાળ) રૂપ અકાળમાં તું હીન શક્તિવાળો હો તોપણ નિજ
પરમાત્મતત્ત્વના શ્રદ્ધા–જ્ઞાન તો જરૂર કરજે. ‘આ કાળમાં મોક્ષ નથી’ –એમ કહીને
શ્રદ્ધામાં પણ ઢીલો થઈશ મા.
અશરીર ને અવિનાશ છે, નિર્મળ અતીન્દ્રિય શુદ્ધ છે,
જ્યમ લોક અગ્રે સિદ્ધ, તે રીતે જાણ સૌ સંસારીને. ૪૮.
અહા, જેવા સિદ્ધભગવાન સિદ્ધાલયમાં બિરાજમાન છે તેવો જ પરમાર્થે હું છું–એમ
સ્વાનુભૂતિથી ધર્મીજીવે પરમ સ્વભાવને જાણ્યો છે, અને બધાય જીવો પરમાર્થે એવા જ
છે–એમ પણ શુદ્ધનયના બળથી તે જાણે છે. સિદ્ધાલયમાં જેવા ગુણોથી સિદ્ધભગવંતો
અલંકૃત છે–એવા જ ગુણોથી બધાય જીવોનો સ્વભાવ અલંકૃત છે. –અહો, જિનેશ્વર
ભગવાનનું શુદ્ધવચન બુદ્ધપુરુષોને આવો આત્મસ્વભાવ દેખાડે છે. જિનવચનમાં આવો
શુદ્ધસ્વભાવ પ્રસિદ્ધ છે તેને હે ભવ્ય! તું જાણ!