નથી. બાહ્ય ચમત્કારો સાધકનું લક્ષણ પણ નથી. ચૈતન્યચમત્કારસ્વરૂપ સ્વસંવેદન તે જ સાધકનું લક્ષણ છે. જે ઊંડે ઊંડે રાગના એક કણને પણ લાભરૂપ માને છે, તેને આત્માનાં દર્શન થતાં નથી. નિસ્પૃહ એવો થઈ જા કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એક આત્માની જ રઢ લાગે અને અંદરમાંથી ઉત્થાન થાય તો પરિણતિ પલટ્યા વિના રહે નહિ. ૩૫૫.
મુનિરાજનો નિવાસ ચૈતન્યદેશમાં છે. ઉપયોગ તીખો થઈને ઊંડે ઊંડે ચૈતન્યની ગુફામાં ચાલ્યો જાય છે. બહાર આવતાં મડદા જેવી દશા હોય છે. શરીર પ્રત્યેનો રાગ છૂટી ગયો છે. શાન્તિનો સાગર પ્રગટ્યો છે. ચૈતન્યની પર્યાયના વિવિધ તરંગો ઊછળે છે. જ્ઞાનમાં કુશળ છે, દર્શનમાં પ્રબળ છે, સમાધિના વેદનાર છે. અંતરમાં તૃપ્ત તૃપ્ત છે. મુનિરાજ જાણે વીતરાગતાની મૂર્તિ હોય એ રીતે પરિણમી ગયા છે. દેહમાં વીતરાગ દશા છવાઈ ગઈ છે. જિન નહિ પણ જિનસરખા છે. ૩૫૬.
આ સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે