૧૬૨
મુનિરાજ કહે છેઃ — અમારો આત્મા તો અનંત ગુણથી ભરેલો, અનંત અમૃતરસથી ભરેલો, અક્ષય ઘડો છે. તે ઘડામાંથી પાતળી ધારે અલ્પ અમૃત પિવાય એવા સ્વસંવેદનથી અમને સંતોષ થતો નથી. અમારે તો પ્રત્યેક સમયે પૂરું અમૃત પિવાય એવી પૂર્ણ દશા જોઈએ છે. એ પૂર્ણ દશામાં સાદિ-અનંત કાળ પર્યંત સમયે સમયે પૂરું અમૃત પિવાય છે અને ઘડો પણ સદાય પૂરેપૂરો ભરેલો રહે છે. ચમત્કારિક પૂર્ણ શક્તિવાળું શાશ્વત દ્રવ્ય અને પ્રત્યેક સમયે એવી જ પૂર્ણ વ્યક્તિવાળું પરિણમન! આવી ઉત્કૃષ્ટ-નિર્મળ દશાની અમે ભાવના ભાવીએ છીએ. (આવી ભાવના વખતે પણ મુનિરાજની દ્રષ્ટિ તો સદાશુદ્ધ આત્મદ્રવ્ય ઉપર જ છે.) ૪૧૫.
ભવભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. ભવના અભાવના પ્રયત્ન માટે આ ભવ છે. ભવભ્રમણ કેટલાં દુઃખોથી ભરેલું છે તેનો ગંભીરતાથી વિચાર તો કર! નરકનાં ભયંકર દુઃખોમાં એક ક્ષણ જવી પણ વસમી પડે ત્યાં સાગરોપમ કાળનાં આયુષ્ય કેમ પૂરાં થયાં હશે? નરકનાં દુઃખ સાંભળ્યાં જાય એવાં નથી. પગમાં કાંટો વાગે તેટલું દુઃખ પણ તું સહન કરી શકતો નથી, તો