જન્મવધામણાં
[રાગઃ – પુરનો મોરલો હો રાજ]
જન્મવધામણાં હો રાજ! હૈડાં થનગન થનગન નાચે;
જન્મ્યાં કુંવરી ચંદ્રની ધાર, મુખડાં અમીરસ અમીરસ સીંચે.
(સાખી)
કુંવરી પોઢે પારણે, જાણે ઉપશમકંદ;
સીમંધરના સોણલે મંદ હસે મુખચંદ.
હેતે હીંચોળતાં હો રાજ! માતા મધુર મધુર મુખ મલકે;
ખેલે ખેલતાં હો રાજ! ભાવો સરલ સરલ ઉર ઝળકે....જન્મ૦
(સાખી)
બાળાવયથી પ્રૌઢતા, વૈરાગી ગુણવંત;
મેરુ સમ પુરુષાર્થથી દેખ્યો ભવનો અંત.
હૈયુ ભાવભીનું હો રાજ! હરદમ ‘ચેતન’ ‘ચેતન’ ધબકે;
નિર્મળ નેનમાં હો રાજ! જ્યોતિ ચમક ચમક અતિ ચમકે....જન્મ૦
(સાખી)
રિદ્ધિસિદ્ધિ-નિધાન છે ગંભીર ચિત્ત ઉદાર;
ભવ્યો પર આ કાળમાં અદ્ભુત તુજ ઉપકાર.
ચંપો મ્હોરિયો હો રાજ! જગમાં મઘમઘ મઘમઘ મ્હેકે;
‘ચંપા’ – પુષ્પની સુવાસ, અમ ઉર મઘમઘ મઘમઘ મ્હેકે....જન્મ૦
✽
[ ૧૮૦ ]