ભવ્યોનાં દિલમાં દીવડા પ્રગટાવનાર
[રાગઃ — સોહાગમૂર્તિ શી રે કે]
જન્મવધાઇના રે કે સૂર મધુર ગાજે સાહેલડી,
તેજબાને મંદિરે રે કે ચોઘડિયાં વાગે સાહેલડી;
કુંવરીનાં દર્શને રે કે નરનારી હરખે સાહેલડી,
વીરપુરી ધામમાં રે કે કુમકુમ વરસે સાહેલડી.
(સાખી)
સીમંધર-દરબારના, બ્રહ્મચારી ભડવીર;
ભરતે ભાળ્યા ભાગ્યથી, અતિશય ગુણગંભીર.
નયનોના તેજથી રે કે સૂર્યતેજ લાજે સાહેલડી,
શીતળતા ચંદ્રની રે કે મુખડે વિરાજે સાહેલડી;
ઉરની ઉદારતા રે કે સાગરના તોલે સાહેલડી,
ફૂલની સુવાસતા રે કે બેનીબાના બોલે સાહેલડી....જન્મ૦
(સાખી)
જ્ઞાનાનંદસ્વભાવમાં, બાળવયે કરી જોર;
પૂર્વારાધિત જ્ઞાનનો, સાંધ્યો મંગલ દોર.
જ્ઞાયકના બાગમાં રે કે બેનીબા ખેલે સાહેલડી,
દિવ્ય મતિ-શ્રુતનાં રે કે જ્ઞાન ચડ્યાં હેલે સાહેલડી;
જ્ઞાયકની ઉગ્રતા રે કે નિત્ય વૃદ્ધિ પામે સાહેલડી,
આનંદધામમાં રે કે શીઘ્ર શીઘ્ર જામે સાહેલડી....જન્મ૦
[ ૧૮૧ ]