ઉચ્ચ થાય છે. ત્યારપછી શુક્લધ્યાનવડે ચાર ઘાતિ કર્મનો નાશ
થતાં તે જીવ કેવળજ્ઞાન પામીને અરિહંતપદ પામે છે; પછી
બાકીના ચાર અઘાતિ કર્મનો પણ નાશ કરીને ક્ષણમાત્રમાં મોક્ષ
પામીને સંસારથી કાયમને માટે વિદાય થઈ જાય છે ત્યારે તે
આત્મામાં અનંતકાળ સુધી અનંત ચતુષ્ટયનો (અનંત-જ્ઞાન-
દર્શન-સુખ-વીર્યનો) એક સરખો અનુભવ થયા કરે છે, પછી
તેને પંચ પરાવર્તનરૂપ સંસારમાં ભટકવું પડતું નથી. કદી
અવતાર ધારણ કરવા પડતા નથી. સદાય અક્ષય-અનંત સુખને
અનુભવે છે. અખંડિત જ્ઞાન-આનંદરૂપ અનંતગુણમાં નિશ્ચલ રહે
છે તેને મોક્ષસ્વરૂપ કહે છે.
કષાય અને વિષયોનું સેવન તો અનાદિ કાળથી કરતો આવ્યો
છે પણ તેનાથી તેને જરાપણ શાંતિ મળી નથી, શાંતિનું એકમાત્ર
કારણ મોક્ષમાર્ગ, તેમાં જ તે જીવે તત્પરતાપૂર્વક પ્રવૃત્તિ કદી કરી
નથી, તેથી હવે પણ જો શાંતિની (આત્મહિતની) ઇચ્છા હોય
તો આળસ છોડી (આત્માનું) કર્તવ્ય સમજી રોગ અને ઘડપણ
વગેરે આવ્યા પહેલાં જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થવું જોઈએ, કેમ કે
આ પુરુષપર્યાય, સત્સમાગમ વગેરે સુયોગ વારંવાર પ્રાપ્ત થતા
નથી, માટે તેને પામીને વ્યર્થ ગુમાવવો ન જોઈએ-આત્મહિત
સાધી લેવું જોઈએ.