વ્રત-તપ વગેરે કરે છે, તોપણ સમ્યક્ત્વની સન્મુખ નથી — સમ્યક્ત્વનો અધિકારી નથી; અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યક્ત્વનો અધિકારી થાય છે. સમ્યગ્દર્શન માટે મૂળ તો તત્ત્વવિચારનો ઉદ્યમ જ છે; માટે તત્ત્વવિચારની મુખ્યતા છે. ૧૫૭.
સ્વભાવ સિવાય બીજે ક્યાંય મીઠાશ રહી ગઈ હશે તો તને એ ચૈતન્યની મીઠાશમાં નહિ આવવા દે. પરની મીઠાશ તને ચૈતન્યની મીઠાશમાં વિઘ્ન કરશે. માટે હે ભાઈ! સમજીને પરની મીઠાશ છોડ. ૧૫૮.
આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશ અને તાલાવેલી જાગે તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહિ. પોતાની ધગશના બળે અંતરમાં માર્ગ કરીને તે નિજ શુદ્ધાત્મસ્વરૂપને પામે જ. ૧૫૯.
વ્રત-તપ-જપથી આત્મપ્રાપ્તિ થશે – એ માન્યતા જેમ શલ્ય છે, તેમ શાસ્ત્રાભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જે માન્યતા છે તે પણ શલ્ય છે. આત્મવસ્તુ