વિકલ્પ છૂટી જાય છે તેથી તે અભૂતાર્થ છે, આત્માને મદદગાર નથી. વસ્તુનો અભેદપણે નિર્ણય કરવા જતાં અને તેમાં એકાગ્રપણે ઠરવા જતાં વચ્ચે નવ તત્ત્વ તથા નય, પ્રમાણ વગેરેના રાગમિશ્રિત વિચારો આવ્યા વિના રહેતા નથી; પણ તેનાથી અભેદમાં જવાતું નથી. આંગણું છોડે ત્યારે ઘરમાં જવાય છે, તેમ વ્યવહારરૂપ આંગણું છોડે ત્યારે સ્વભાવરૂપ ઘરમાં જવાય છે. ૧૭૯.
પાંચ ઇન્દ્રિયો સંબંધી કોઈ પણ વિષયોમાં આત્માનું સુખ નથી, સુખ તો આત્મામાં જ છે. — આમ જાણીને સર્વ વિષયોમાંથી સુખબુદ્ધિ ટળે ને અસંગી આત્મસ્વરૂપની રુચિ થાય, ત્યારે જ વાસ્તવિક બ્રહ્મચર્યજીવન હોય. બ્રહ્મસ્વરૂપ આત્મામાં જેટલે અંશે પરિણમન — આત્મિક સુખનો અનુભવ — થાય તેટલે અંશે બ્રહ્મચર્યજીવન છે. જેટલી બ્રહ્મમાં ચર્યા તેટલો પરવિષયોનો ત્યાગ હોય છે.
જે જીવ પરવિષયોથી ને પરભાવોથી સુખ માનતો હોય તે જીવને બ્રહ્મચર્યજીવન હોય નહિ, કેમ કે તેને વિષયોના સંગની ભાવના પડી છે.
ખરેખર આત્મસ્વભાવની રુચિની સાથે જ બ્રહ્મચર્ય વગેરે સર્વ ગુણોનાં બીજડાં પડેલાં છે. માટે સાચું બ્રહ્મજીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ