૧૦૮
શુદ્ધાત્મતત્ત્વને જ તું ઉપાદેય કર; — તે જ ઉપાદેય છે એમ શ્રદ્ધા કર, તેને જ ઉપાદેય તરીકે જાણ, ને તેને જ ઉપાદેય કરીને તેમાં ઠર. આમ કરવાથી અલ્પ કાળમાં તારી મુક્તિ થશે. ૧૯૧.
દેવ-શાસ્ત્ર-ગુરુનો પોતાની રુચિપૂર્વક સમાગમ થયા પછી, તેઓ જે નિરાળી વસ્તુ કહેવા માગે છે તે પોતાના રુચિપૂર્વકના પુરુષાર્થથી સમજે ત્યારે પરાશ્રયદ્રષ્ટિ છૂટીને સ્વાશ્રયદ્રષ્ટિ થાય છે ને ત્યારે અગૃહીત મિથ્યાત્વ છૂટે છે. પ્રથમ તો દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભક્તિ હોય ત્યારે મિથ્યાત્વ મંદ થાય છે ને તેથી ગૃહીત મિથ્યાત્વ છૂટે છે; માટે પ્રથમ સત્ દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભક્તિ-વિનયનો ભાવ હોય પણ વ્રત-તપ પ્રથમ ન હોય. સાચું સમજે ત્યારે દેવ-શાસ્ત્ર-ગુરુ નિમિત્ત કહેવાય છે, પરંતુ વ્રતાદિ સાચું સમજવામાં નિમિત્તરૂપ પણ નથી.
પ્રથમ સત્ની રુચિ થાય, ભક્તિ થાય, બહુમાન થાય, પછી સ્વરૂપ સમજે ને પછી વ્રત આવે; પ્રથમ મિથ્યાત્વ જાય, પછી વ્રત આવે, તે ક્રમ છે; પણ મિથ્યાત્વ છૂટ્યા પહેલાં વ્રત-સમિતિનો ઉપદેશ તે ક્રમ-ભંગ ઉપદેશ છે. ૧૯૨.