૧૧૨
ત્વાદિનું અકર્તાપણું થઈ જાય છે. મિથ્યાત્વભાવ થાય છે ને તેનો અકર્તા છે – એમ નહિ, પરંતુ મિથ્યાત્વભાવ તેને થતો જ નથી; અને અસ્થિરતાનો જે અલ્પ રાગ રહે છે તેનો શ્રદ્ધામાં સ્વીકાર નથી, માટે તેનો પણ અકર્તા છે. ૨૦૦
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માની દ્રષ્ટિ અંતરના જ્ઞાનાનંદસ્વભાવ ઉપર છે, ક્ષણિક રાગાદિ ઉપર નહિ. તેની દ્રષ્ટિમાં રાગાદિનો અભાવ હોવાથી તેને (દ્રષ્ટિ-અપેક્ષાએ) સંસાર ક્યાં રહ્યો? રાગ રહિત જ્ઞાનાનંદસ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તે મુક્ત જ છે, તેની દ્રષ્ટિમાં મુક્તિ જ છે; મુક્તસ્વભાવ ઉપરની દ્રષ્ટિમાં બંધનનો અભાવ છે. સ્વભાવ ઉપરની દ્રષ્ટિ બંધભાવને પોતામાં સ્વીકારતી નથી, માટે સ્વભાવદ્રષ્ટિવંત સમકિતી મુક્ત જ છે. ‘शुद्ध- स्वभावनियतः स हि मुक्त एव’ — શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો જ્ઞાની ખરેખર મુક્ત જ છે. ૨૦૧.
રાગાદિ વિકાર થાય છે તે પોતામાં થાય કે પરમાં? પોતામાં જ થાય. ચૈતન્યની પર્યાયમાં વિકાર કાંઈ પરવસ્તુ કરાવી દેતી નથી. વિકાર થવામાં નિમિત્ત બીજી ચીજ છે ખરી, પણ તે કાંઈ વિકાર કરાવી દેતી નથી.