૧૩૨
જે વીતરાગ ગુરુઓ દ્વારા પ્રણીત સત્શાસ્ત્રોનો અભ્યાસ કરતો નથી, તે આંખ હોવા છતાં પણ આંધળો છે. વિકથા વાંચ્યા કરે ને શાસ્ત્રસ્વાધ્યાય ન કરે તેની આંખો શા કામની? જ્ઞાનીગુરુ પાસે રહીને જે શાસ્ત્રશ્રવણ કરતો નથી અને હૃદયમાં તેના ભાવ અવધારતો નથી, તે મનુષ્ય ખરેખર કાન અને મનથી રહિત છે એમ કહ્યું છે. જે ઘરમાં દેવ-શાસ્ત્ર-ગુરુની ઉપાસના થતી નથી તે ખરેખર ઘર જ નથી, કેદખાનું છે. ૨૪૨.
અહો! આવા ચમત્કારી સ્વભાવની વાત સ્વભાવના લક્ષે સાંભળે તો મિથ્યાત્વના હાંજા ગગડી જાય. ૨૪૩.
પોતાના આત્મસ્વરૂપની ભ્રાન્તિ એ જ સૌથી મોટું પાપ છે, ને એ જ જન્મમરણના હેતુભૂત ભયંકર ભાવરોગ છે. તે મિથ્યા ભ્રાન્તિ કેમ છેદાય? શ્રીગુરુએ જેવો આત્મસ્વભાવ કહ્યો તેવો સમજવો તથા તેનો વિચાર ને ધ્યાન કરવું તે જ ભાવરોગ ટાળવાનો ઉપાય છે. પહેલાં શુભાશુભ વિભાવ રહિત ચૈતન્યસ્વરૂપ આત્મસ્વભાવનું ભાન કરવું તે જ આત્મભ્રાન્તિથી છૂટવાનો ઉપાય છે. ૨૪૪.