જ્ઞાનીને દુઃખ જણાય છે ને વેદાય પણ છે. જેમ આનંદનું વેદન છે, તેમ જેટલું દુઃખ છે એટલું દુઃખનું પણ વેદન છે. ૨૪૫.
ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપે આખો નીરોગી છે. વર્તમાનમાં થતા પુણ્ય-પાપાદિ ક્ષણિક વિકાર જેવડો જ હું છું એમ જે જીવ માને છે તેનો વિકાર- રોગ મટતો નથી. વર્તમાન ક્ષણિક અવસ્થા જ મલિન છે, ઊંડાણમાં એટલે કે શક્તિરૂપે વર્તમાનમાં ત્રિકાળી આખો નિર્મળ છું — એમ પૂર્ણ નીરોગ સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે તેના ક્ષણિક રાગરૂપી રોગનો નાશ થઈ જાય છે. ૨૪૬.
સમ્યક્ મતિજ્ઞાન, સમ્યક્ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વગેરે બધી અવસ્થા થાય ખરી, પરંતુ તે મતિ-શ્રુત વગેરે અવસ્થા ઉપર દ્રષ્ટિ મૂકવાથી તે મતિ-શ્રુત કે કેવળ વગેરે કોઈ અવસ્થા પ્રગટે નહિ, પણ પરિપૂર્ણ ઐશ્વર્યવાળી જે આખી વસ્તુ ધ્રુવ નિશ્ચય પડી છે તેની દ્રષ્ટિના જોરે સમ્યક્ મતિ-શ્રુત અને (લીનતા વધતાં) પૂર્ણ કેવળજ્ઞાન- અવસ્થા પ્રગટે છે. ૨૪૭.