તો તેની યોગ્યતાથી તેના આયુના કારણે છે, તેમાં મારું કાંઈ કર્તવ્ય નથી; હું તો નિમિત્તમાત્ર છું. અહા! ધર્મી પુરુષ તો પરના જીવનસમયે પોતાને જે પરદયાનો વિકલ્પ થયો ને યોગની ક્રિયા થઈ તેનો પણ માત્ર જાણનાર રહે છે, કર્તા થતો નથી, તો પછી પરના જીવનનો કર્તા તે કેમ થાય? બાપુ! પરની દયા હું પાળી શકું છું – એવી માન્યતા મિથ્યાત્વ ને અજ્ઞાનભાવ છે, એ દીર્ઘ સંસારનું કારણ છે. ભાઈ! વીતરાગ મારગની આવી વાત સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે ક્યાંય નથી. ૨૬.
જગતમાં જે કોઈ સુંદરતા હોય, જે કોઈ પવિત્રતા હોય, તે બધી આત્મામાં ભરી છે. શ્રી કુંદકુંદાચાર્યદેવે સમયસારમાં કહ્યું છેઃ એકત્વ-નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં;
— આવા સુંદર આત્માને અનુભવમાં લેતાં તેના સર્વ ગુણોની સુંદરતા ને પવિત્રતા એકસાથે પ્રગટે છે. એકેક સમયની પર્યાયમાં અનંત ગુણોનો સ્વાદ ભેગો છે; તે અનુભવમાં એકસાથે સમાય છે; પણ વિકલ્પ કરીને એકેક ગુણની ગણતરીથી આત્માના અનંત ગુણોને પકડવા માગે તો અનંત કાળેય પકડાય નહિ. એક આત્મામાં ઉપયોગ