૧૬
મૂકતાં તેમાં તેના અનંત ગુણોની પર્યાયો નિર્મળપણે અવશ્ય અનુભવાય છે. હે ભાઈ! આવા અનુભવની હોંશ ને ઉત્સાહ કર. બહારની કે વિકલ્પની હોંશ છોડી દે, કેમ કે તેનાથી ચૈતન્યના ગુણો પકડાતા નથી. ઉપયોગને – રુચિને બહારથી સમેટી લઈ નિશ્ચળપણે અંતરમાં લગાવ, જેથી તને તત્ક્ષણ વિકલ્પ તૂટીને અતીન્દ્રિય આનંદ સહિત અનંતગુણસ્વરૂપ નિજ આત્માનો અનુભવ થશે. ૨૭.
રાગના વિકલ્પથી ખંડિત થતો હતો તે જીવ સ્વરૂપનો નિર્ણય કરીને અંદર સ્વરૂપમાં ઠર્યો ત્યાં જે ખંડ થતો હતો તે અટકી ગયો અને એકલો આત્મા અનંત ગુણોથી ભરપૂર આનંદસ્વરૂપ રહી ગયો. હું શુદ્ધ છું, હું અશુદ્ધ છું, હું બદ્ધ છું, હું અબદ્ધ છું – એવા વિકલ્પો હતા તે છૂટી ગયા અને જે એકલું આત્મતત્ત્વ રહી ગયું તેનું નામ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને તે જ સમયસાર છે. સમયસાર તે આ પાનાં નહિ, અક્ષરો નહિ; એ તો જડ છે. આત્માના આનંદમાં લીનતા તે જ સમયસાર છે. આત્મસ્વરૂપનો બરાબર નિર્ણય કરીને વિકલ્પ છૂટી જાય, પછી અનંતગુણસામર્થ્યથી ભરપૂર એકલું રહ્યું જે નિજ શુદ્ધાત્મતત્ત્વ તે જ સમયસાર છે. ૨૮.