સંસારમાં પુણ્યની પ્રધાનતા છે અને ધર્મમાં ગુણની પ્રધાનતા છે. તેથી જ્ઞાની પુણ્યથી દૂર રહીને તેમાં સ્વામીપણે ન ભળતાં નિસ્પૃહપણે જાણે છે, અને અજ્ઞાની તેમાં તલ્લીન થાય છે. પુણ્ય એક તત્ત્વ છે, પણ તેનાથી જ્ઞાની ન થવાય, તેનાથી આત્માનું હિત ન થાય. જે જીવ પુણ્યવૈભવ, યશઃકીર્તિ ઉપર જુએ છે તે, જીવ-અજીવનાં લક્ષણની જુદાઈ નહિ સમજનારો હોવાથી અજ્ઞાની છે.
પ્રવચનસારમાં કહ્યું છે કે પુણ્ય અને પાપ બન્ને, આત્માના ધર્મ નહિ હોવાથી, નિશ્ચયથી સમાન જ છે —
તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે.
જેમ સુવર્ણની બેડી અને લોખંડની બેડી બન્ને અવિશેષપણે બાંધવાનું જ કામ કરે છે, તેમ પુણ્ય અને પાપ બન્ને અવિશેષપણે બંધન જ છે. જે જીવ પુણ્ય અને પાપનું અવિશેષપણું ( – સમાનપણું) કદી માનતો નથી, તેને આ ભયંકર સંસારમાં રઝળવાનો કદી અંત આવતો નથી.
જ્ઞાનીને હિત-અહિતનો યથાર્થ વિવેક હોઈ, જે કંઈ પુણ્ય-પાપના સંયોગ છે તેનો તે માત્ર જ્ઞાતા રહે છે.