૪૬
આનંદામૃત-સ્વભાવનો સ્વાદ લે છે, આકુળતાનો અભાવ થઈને નિરાકુળ નિજ શાંતરસનો સ્વાદ લે છે, નય- પક્ષના ત્યાગની ભાવનાને નચાવીને આત્માના અમૃતને પીએ છે. ૬૯.
તળાવની ઉપલી સપાટી બહારથી સરખી લાગે, પણ અંદર ઊતરીને તેના ઊંડાણનું માપ કરતાં કાંઠે ને મધ્યમાં ઊંડાઈનું કેટલું અંતર છે તે જણાય; તેમ જ્ઞાની અને અજ્ઞાનીનાં વચનો ઉપરટપકે જોતાં સરખાં લાગે, પણ અંતરનું ઊંડું રહસ્ય જોતાં તેમના આશયમાં કેટલો આંતરો છે તે સમજાય. ૭૦.
પરિણામ પરિણામીથી (દ્રવ્યથી) ભિન્ન નથી, કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે — જુદી જુદી બે નથી. અવસ્થા જેમાંથી થાય તેનાથી તે જુદી વસ્તુ હોય નહિ. સોનું અને સોનાનો દાગીનો તે બે જુદાં હોય? ન જ હોય. સોનામાંથી વીંટીની અવસ્થા થઈ, પણ વીંટીરૂપ અવસ્થા ક્યાંય રહી ગઈ અને સોનું બીજે ક્યાંય રહી ગયું તેમ બને? ન જ બને. કોઈ કહે — વીંટી તો સોનીએ કરી છે, પરંતુ સોનીએ વીંટી કરી નથી પણ વીંટી કરવાની ઇચ્છા સોનીએ કરી છે.