ઇચ્છાનો કર્તા સોની છે પણ વીંટીનો કર્તા સોની નથી, સોની તો માત્ર નિમિત્ત છે, સોનીએ વીંટી કરી નથી. વીંટીનો કર્તા સોનું છે, સોનામાંથી જ વીંટી થઈ છે; તે રીતે જે કોઈ અવસ્થા ચૈતન્યની હોય તે ચૈતન્યદ્રવ્યથી અભિન્ન હોવાથી તેનો કર્તા ચૈતન્ય છે અને જે કોઈ અવસ્થા જડની હોય તે જડ દ્રવ્યથી અભિન્ન હોવાથી તેનો કર્તા જડ છે. માટે એમ સિદ્ધ થયું કે જે કોઈ ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનથી એટલે કે દ્રવ્યથી ભિન્ન નથી. વસ્તુ વગરની અવસ્થા ન હોય ને અવસ્થા વગરની વસ્તુ હોઈ શકે નહિ. ૭૧.
જે ક્ષણે વિકારી ભાવને કર્યો તે જ ક્ષણે જીવ તેનો ભોક્તા છે, કર્મ પછી ઉદયમાં આવશે અને પછી ભોગવાશે એમ કહેવું તે વ્યવહાર છે. અજ્ઞાની પરદ્રવ્યને કરી-ભોગવી શકતો નથી પણ માને છે કે ‘હું પરદ્રવ્યને કરું-ભોગવું છું’. જ્ઞાની પરદ્રવ્યની જે અવસ્થા થાય તેનો જાણનાર રહે છે, તેથી તેનો જ્ઞાનપર્યાય વધતો જાય છે. જ્ઞાની જ્ઞાનનો કર્તા થાય છે, પરંતુ પરદ્રવ્યની અવસ્થાનો કર્તા થતો નથી. અજ્ઞાની પરદ્રવ્યની અવસ્થા કરી શકતો નથી પણ કર્તાપણું માની લે છે. અજ્ઞાની પોતાના શુભાશુભ ભાવને કરે છે પણ જડકર્મનો કર્તા કદી પણ