શુભરાગ હો, તેના સ્વાદમાં પણ કાંઈ અમૃત નથી પણ ઝેર છે. માટે તેનાથી પણ ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને શ્રદ્ધામાં લઈને તેના સ્વાનુભવરૂપી અમૃતનું પાન કર. અહા! શ્રીગુરુ વત્સલતાથી ચૈતન્યના પ્રેમરસનો પ્યાલો પિવડાવે છે. વીતરાગની વાણી આત્માનો પરમશાંતરસ દેખાડનારી છે. આવા વીતરાગી શાંત ચૈતન્યરસનો અનુભવ તે ભાવશુદ્ધિ છે. તેના વડે જ ત્રણ લોકમાં સૌથી ઉત્તમ પરમ-આનંદસ્વરૂપ સિદ્ધપદ પમાય છે. ૭૪.
અહો ધન્ય એ મુનિદશા! મુનિરાજ કહે છે કે અમે તો ચિદાનંદસ્વભાવમાં ઝૂલનારા છીએ; અમે આ સંસારના ભોગ ખાતર અવતર્યા નથી. અમે હવે અમારા આત્મસ્વભાવમાં વળીએ છીએ. હવે અમારે સ્વરૂપમાં ઠરવાનાં ટાણાં આવ્યાં છે. અંતરના આનંદકંદસ્વભાવની શ્રદ્ધા સહિત તેમાં રમણતા કરવા જાગ્યા તે ભાવમાં હવે ભંગ પડવાનો નથી. અનંતા તીર્થંકરો જે પંથે વિચર્યા તે જ પંથના અમે ચાલનારા છીએ. ૭૫.
જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા અંતરની પાત્રતા જોઈએ. પૂર્વપ્રારબ્ધના યોગે બાહ્ય સંયોગમાં ઊભા હોવા છતાં ધર્માત્માની પરિણતિ અંદર કંઈક જુદું જ કામ