૬૬
અશુદ્ધતાની ઉત્પત્તિ છે જ નહિ. સમકિતીને એકેય અપેક્ષાએ અનંત સંસારનું કારણ એવાં મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાયનો બંધ નથી; પણ એના ઉપરથી કોઈ એમ જ માની લે કે એને જરીયે વિભાવ તેમ જ બંધ નથી જ, તો તે એકાન્ત છે. અંદરમાં શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ અને અનુભવ હોવા છતાં હજુ આસક્તિ છે તે દુઃખરૂપ લાગે છે. રુચિ ને દ્રષ્ટિ અપેક્ષાએ ભગવાન આત્મા તો અમૃતસ્વરૂપ આનંદનો સાગર છે, એના નમૂનાના વેદન આગળ શુભ ને અશુભ બન્ને રાગ દુઃખરૂપ લાગે છે, અભિપ્રાયમાં ઝેર ને કાળો સર્પ લાગે છે. ૧૦૬.
જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જાય છે; તે એકલો જ છે, તેને જગત સાથે શો સંબંધ છે? ભાઈ! આ શરીરના રજકણ અહીં પડ્યા રહેશે અને આ મકાન – મહેલ પણ બધાં પડ્યાં રહેશે. એમાંની કોઈ ચીજ તારા સ્વરૂપમાં નથી, એ બધી જીવસ્વરૂપથી ભિન્ન છે. પ્રભુ! તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લુંટાવાનું રહેવા દે. તું તારા એકત્વવિભક્તપણાને પામી એકલો નિજાનંદને ભોગવ. ૧૦૭.